સિધ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામમાં વેરા વસૂલાત મુદ્દે તલાટી અને ગ્રામજનો વચ્ચે વિવાદ સર્જાયો છે. તલાટી કમ મંત્રી કનુભાઈ ચૌધરીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૧ જુલાઈ ૨૦૨૫ ના રોજ એક ગ્રામજને તેમની ફરજ દરમિયાન ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ગામના હર્ષદભાઈ નામના વ્યક્તિએ ગ્રામ પંચાયતમાં આવીને એડવાન્સમાં વેરો લેવા બાબતે વાંધો ઉઠાવ્યો હતો.તલાટીએ નિયમ મુજબની કાર્યવાહીની સમજ આપવા છતાં ગ્રામજને વિડીયો રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું. અને ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો.ગ્રામજને અન્ય લોકોને પણ વેરો ન ભરવા માટે દુષ્પ્રેરણા કરી હતી. આના કારણે વેરા વસૂલાતમાં ૧૩ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. વધુમાં, ૨૨ જુલાઈ ૨૦૨૫ ના રોજ જ્યારે તલાટી ખોલવાડા ગામની રાત્રિ ગ્રામસભામાંથી પરત ફર્યા, ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના વિશે વધુ એક વિડીયો સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં વાયરલ કરવામાં આવ્યો છે.તલાટીએ આ સમગ્ર ઘટના અંગે સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમના આક્ષેપ મુજબ, આ કૃત્યથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો અને કાયદેસરની કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

