નિર્ણય!

વિચાર વૈભવ
વિચાર વૈભવ

નિર્ણય!

 

અમેરિકાની વાત છે. એક માણસ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. શિયાળાની સાંજનો સમય હતો.સ્ટ્રીટલાઈટ તો હતી. પણ બંને તરફના ઘટાદાર વૃક્ષોના કારણે વચ્ચે વચ્ચે રોડ પર સાવ અંધારું થઈ જતું હતું. રસ્તો નિર્જન અને સૂમસામ હતો.  અચાનક એ થોડે દૂર રોડની બરાબર બાજુની ઝાડીમાંથી કંઈક અવાજ આવતો સંભળાયો. એ ધીમો પડી ગયો. ઝાડી નજીક જઈને ધ્યાનથી સાંભળ્યું તો અવાજ પરથી જાણે કોઈ બે જણ વચ્ચે ઝપાઝપી થતી હોય તેવું લાગતું હતું. કદાચ એમાંથી એક અવાજ કોઈ  સ્ત્રીનો હતો. એના મોં પર કોઈએ હાથ દાબી રાખ્યો હોય અને એ ચીસો પાડવાની કોશિશ કરી રહી હોય તેવો એ અવાજ હતો. એ માણસને ખાતરી થઈ ગઈ કે કોઈ સ્ત્રીપર હુમલો થઈ રહ્યો હતો. એ બિચારી પોતાની બધી જ તાકાતથી પ્રતિકાર કરી રહી હતી.  એ ઝાડીમાં ઘૂસવા જ જતો હતો ત્યાં જ એને થયું કે પોતે શું કામ પોતાની જિંદગી જાખમમાં નાખવી? એ આવો વિચાર આવતાં જ એ માણસના પગ અટકી ગયા. બીજા વિચાર એને એવો આવ્યો કે નજીકના ટેલિફોન બૂથ પરથી ફોન કરીને પોલીસને જાણ કરી  દેવી. પછી પોલીસને જે કરવું હોય તે કરે. પરંતુ  એનું હૃદય અને વારંવાર કહેતું હતું કે આમ કોઈ એકલી અને લાચાર સ્ત્રીને હેરાન થતી છોડીને જતાં રહેવું એ સારું તો ન જ કહેવાય. એનું મગજ  વારંવાર એને ભાગી જવાનું કહેતું હતું. પરંતુ એનું હૃદય એને એમ કરવાની ના પાડતું હતું. પેલી સ્ત્રીનો વિરોધ હવે ધીમો પડી રહ્યો હોય તેવું લાગતું હતું.  એ સ્ત્રી હવે થાકીને હારી જશે એવો વિચાર આવતા જ એ માણસે ત્યાંથી જતા રહેવાનો પોતાનો વિચાર માંડી વાળ્યો. એ પોતે કાંઈ મોટો કસરતબાજ કે કરાટે માસ્ટર નહોતો. છતાં જેવું એણે પેલી સ્ત્રીને મદદ કરવાનું નક્કી કર્યું કે તરત જ એનામાં અત્યંત હિંમત ઊભરાઈ આવી. બધા વિચારો પડતા મૂકીને એ દોડતો પેલી ઝાડીમાં ઘુસ્યો. એક યુવતીને ભોંય પર પછાડીને એના પર સવાર થયેલ ગુંડાને એણે બોચીએ પકડીને પછાડી દીધો. બંને વચ્ચે થોડીવાર ઝપાઝપી થઈ. એ દરમિયાન નીચે પડેલી યુવતી દોડીને એક ઝાડ પાછળ લપાઈ ગઈ. આ માણસ ઝનૂનપૂર્વક ગુંડાનો સામનો કરી રહ્યો હતો. અચાનક હુમલો થવાથી ગુંડો પણ ગભરાઈ ગયો હતો, એટલે એણે વધારે લડવાનું છોડી ત્યાંથી ભાગી જવાનું પસંદ કર્યું.  એ માણસ ઊભો થયો. ધૂળ ખંખેરી પોતાના ફાટી ગયેલા કોટની બાંયોને ધ્રૂજતા હાથે સરખી કરી થોડોક શ્વાસ હેઠો બેઠો ત્યારે  એણે જાયું કે પેલી યુવતી હજુ ઝાડવા પાછળ લપાઈને હીબકાં ભરતી હતી. એને વધારે ગભરાટ ન થાય એટલા માટે એણે દૂરથી જ કહ્યું, ‘બહેન! બેટા! હવે ગભરાઈશ નહીં. પેલો ગુંડો ભાગી ગયો છે. હવે તું બહાર આવી જા! દીકરી! હવે તું બિલકુલ સલામત છો!’ થોડીક ક્ષણો પૂરતી શાંતી છવાઈ ગઈ. પછી ધીમો, ધ્રૂજતો અવાજ આવ્યો, ‘પપ્પા! તમે છો ? હું કેથરીન!’

અને એ સાથે જ ઝાડ પાછળથી નીકળીને એ માણસની પોતાની જ નાની દીકરી કેથરીન દોડીને એને વળગી પડી!

 

            ડો.આઈ.કે.વીજળીવાળા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.