પાટણ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સાંસ્કૃતિક અને ઐતિહાસિક જાગૃતિને પ્રોત્સાહિત કરવા ભગવતી સ્કૂલ,અરવિંદ જીવાભાઈ સ્કૂલ, પીકે કોટાવાલા આર્ટસ કોલેજ,ટી એસ આર કોમર્સ અને એમ એન સાયન્સ કોલેજ મા વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
એનજીઇએસ કોલેજ કેમ્પસ ના સીડીઓ પ્રો. જય ધ્રુવે કાર્યક્રમ ની જાણકારી આપતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં હિંમત, બલિદાન અને દેશભક્તિના મૂલ્યો કેળવવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા પ્રેરણાદાયી પ્રવચનો,સાહિબજાદોની બહાદુરી અને બલિદાનને પ્રકાશિત કરતા વિચારપ્રેરક ઉદબોધન રજૂ કરવામાં આવ્યાં હતાં. તો કલાત્મક શ્રદ્ધાંજલિ રંગોળી ડિઝાઇન પણ બનાવવામાં આવી હતી, જેમાં હિંમતના પ્રતીકો અને ઐતિહાસિક ક્ષણો દર્શાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સાહિબજાદો અને અન્ય ઐતિહાસિક નાયકોના જીવનના દ્રશ્યો દર્શાવીને તેમની સર્જનાત્મકતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ ને અનુરૂપ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ બહાદુરી અને સ્થિતિસ્થાપકતાનો સંદેશ ફેલાવતા પ્લેકાર્ડ અને સૂત્રો સાથે જોડાયા હતા.