વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપુતના વરદ હસ્તે કલેકટર કચેરીનો શુભારંભ
વાવ થરાદ જિલ્લામાં ૮ તાલુકા, ૨ નગરપાલિકા અને ૪૧૬ ગામડાઓનો સમાવેશ
ઢોલ નગારા અને બાઇક રેલી સાથે સરહદી વિસ્તારમાં નવ નિર્મિત જિલ્લાની ઉજવણી કરતા સરહદવાસીઓ
સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજે 2 ઓક્ટોબરને ગાંધી જયંતિ અને દશેરાના પાવન દિવસથી વાવ થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે થરાદ ખાતેથી કલેકટર કચેરીનો વિધિવત શુભારંભ કરાયો હતો. આ સાથે ચાર નવા તાલુકાઓ ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા છે.
આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત તમામ લોકોને શુભેરછાઓ પાઠવીને નવીન વાવ-થરાદ જિલ્લાની કલેકટર કચેરીનું રીબીન કાપીને કચેરીનો પ્રારંભ કર્યો હતો. બંને મહાનુભાવોનું ખોરડા, જેતડા, ભોરડું અને ખેંગારપુરા ગામના લોકોએ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરીને નવીન જિલ્લા માટે સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આજનો દિવસ સમગ્ર સરહદી વિસ્તારના નાગરિકો માટે ઉત્સાહ અને ઉમંગના દિવસ તરીકે ઉજવાયો હતો.જેથી દિવાળી જેવો માહોલ છવાયો હતો અને થરાદથી રાહ સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું. થરાદ ખાતે નવી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓનો શુભારંભ થયો છે. સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતાં થરાદ ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લાના શુભારંભ વખતે ઉજવણી કરી હતી.
નવીન વાવ-થરાદ જિલ્લામાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી અને નવીન બે તાલુકા ઢીમા અને રાહ મળીને કુલ ૮ તાલુકાનો સમાવેશ થયો છે. નવનિર્મિત જિલ્લામાં ૮ તાલુકા, ૨ નગરપાલિકા, ૪૧૬ ગામડા તથા ૯ લાખ ૭૮ હજાર ૮૪૦ વસ્તીનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા, વડગામ, દાંતીવાડા, દાંતા, અમીરગઢ, ધાનેરા, કાંકરેજ સહિત નવીન બે તાલુકા ઓગડ અને હડાદ મળીને કુલ ૧૦ તાલુકાનો સમાવેશ કરાયો છે. સરકારે વાવ થરાદ જિલ્લા માટે જિલ્લા કલેકટર તરીકે જે.એસ.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન.જે.તેરૈયાની નિમણૂક કરી છે.
કલેકટર કચેરીના શુભારંભ વખતે વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, બનાસકાંઠા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Beta feature
Beta feature
Beta feature




