નવ રચિત વાવ થરાદ સહિત બનાસકાંઠા જિલ્લામાં દિવાળીનો માહોલ ધીમે ધીમે રંગ પકડી રહયો છે. તેમાં પણ દિવાળી પર્વના પ્રારંભે મહિલાઓ ઘરની સાફ-સફાઈ કરી ઘર સજાવે છે .જેના કારણે શહેરી બજારોમાં ઘર સજાવટને લગતી અવનવી વેરાયટીની ફેન્સી વસ્તુઓ બજારની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે. જેમાં ઝુમ્મર, ફૂલદાની, પેઇન્ટિંગસ, તોરણ, માટી કલાની વિવિધ વસ્તુઓ, રમકડા, દેવદેવીઓની મૂર્તિઓ, રંગોળીના સ્ટીકર અને આકર્ષક રોશની પ્રગટાવતી ચીજો ‘ઓન ડિમાન્ડ’ રહી છે.
દિવાળીના પર્વમાં મહિલાઓ વિવિધ સુશોભનની ચીજ વસ્તુઓથી ઘરોને શોભાયમાન બનાવે છે. આથી પ્રકાશના પર્વમાં ડેકોરેટીવ વસ્તુઓનું બજાર ગરમ રહે છે. દિવાળી પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે. તેમ તેમ ગૃહ સુશોભનને લગતી વસ્તુઓની ખરીદી માટે ગ્રાહકો બજારમાં જોવા મળી રહ્યા છે. તેમાં પણ આ વખતે ઘરને સજાવવા માટે ખાસ કરીને મહિલાઓ ઘર સજાવટની ચીજવસ્તુઓ ખરીદતી નજરે પડે છે.ડીસા તાલુકાના ઝેરડા ગામના માટી કલાના કસબી કારીગર સલ્લુભાઈ સુમરાની ઝેરડા સ્થિત મીની ફેકટરીમાં આકર્ષક કોડિયા, રસોઈમાં વપરાતા માટીના વાસણો,પક્ષીઓ માટે માળા અને કુંડા, રમકડાંની સાથે સાથે ઘર સજાવટને લગતી મૂળ દેશી પરંતુ ફેન્સી આઇટમો પણ બનાવવામાં આવે છે.જે સાચે જ ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. જેથી આ આકર્ષક અને કલાત્મક ચીજોની માંગ દિવાળી પર્વમાં જિલ્લા બહાર પણ રહે છે.

