ઈન્ચાર્જ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં પ્રશ્નોના નિરાકરણ માટે જે તે વિભાગને સુચિત કરાયા. મામલતદાર કચેરી પાટણ ખાતે શનિવારે પાટણ તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ઈન્ચાર્જ પ્રાંત અધિકારી ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને મળી હતી.આ બેઠકમાં સદસ્યો દ્રારા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જે પ્રશ્નોના નિરાકરણ માટે જે તે વિભાગને સુચિત કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમાર દ્વારા પાટણ થી કણી સાંજના ટાઈમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બસ સેવા શરૂ કરવા,પાટણ ખાતે કાર્યરત આદર્શ નિવાસી કુમાર શાળા (અનુ.જાતિ) ભાડાના મકાનમાં ચાલે છે જેને સરકારી મકાન ફાળવવા, બાલીસણા ગામે મફત ગાળા માટે ગામતળની માપણી કરવા,બાલીસણા ગામે પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ તથા પરેડ ગ્રાઉન્ડના બાંધકામ માટે જમીન માપણી અને ગામેની આંગણવાડી કેન્દ્ર નંબર ૧૮૨ બે વર્ષથી ભાડાના મકાનમાં ચાલુ છે નવીન આંગણવાડીનુ કામ શરૂ કરવા બાબતે અને બાલીસણા ગામે બસ સ્ટેન્ડ પાસે નવીન બનેલ સમ્પમા પાણી નાંખવા સહિતના પ્રશ્ને કરાયેલ રજુઆતના પગલે ઈન્ચાર્જ પ્રાંત અધિકારી દ્રારા જે તે વિભાગના અધિકારી ઓને નિયમોનુસાર કાર્યવાહી કરવા સુચના આપી હતી.આ બેઠકમાં પાટણ ગ્રામ્ય અને શહેર મામલતદારો તાલુકા વિકાસ અધિકારી, પાટણ પાલિકાના ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ,સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશપરમાર સહિત સંકલન સમિતિના તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.