અમુક ગામોમાં પાણીની અછતના કારણે ઘાસચારો વેચાતો લેવાની નોબત
ભૂગર્ભ જળમાં ચિંતાજનક હદે ધરખમ ઘટાડો; બનાસકાંઠા જિલ્લામાં ધાણધાર પંથક તરીકે ઓળખાતા વડગામ અને પાલનપુર તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી સિંચાઇના પાણીની ભારે અછત સર્જાઈ રહી છે. જેને લઈ ખેડૂતોને ખેતી કરવી અને પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે ત્યારે સરકાર દ્વારા આ વિસ્તારમાં સિંચાઇના પાણી સુવિધા પૂરી પાડવા કરમાવદ સહિત ગ્રામ્ય વિસ્તારોના તળાવોમાં નર્મદાનું પાણી ભરવા માટે પ્રજાજનોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
ખેતી અને પશુપાલનનો મુખ્ય વ્યવસાય ધરાવતા તેમજ ભૌગોલિક દ્રષ્ટિએ પૂર્વમાં ડુંગરાળ અને પશ્ચિમમાં રણ પ્રદેશ ધરાવતા સરહદી બનાસકાંઠા જિલ્લામા એકાંતરે નબળા વરસાદને લઈ ભૂગર્ભ જળ સ્તર દિન પ્રતિદિન ઉંડા જઇ રહ્યા છે જેમાં પાલનપુર તેમજ વડગામ પંથકમા જમીન નીચે પથ્થરને લઇ બોરવેલ પણ ફેઇલ થઇ રહ્યા છે જેને લઇ ખેડૂતોએ ખેતી માટે માત્ર ચોમાસા પર નિર્ભર રહેવું પડે છે. જોકે વર્ષો અગાઉ વડગામ તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતું હોઇ આ વિસ્તારને ધણાધાર પંથક તરીકે ઓળખવામાં આવતો હતો પંરતુ હાલ સિંચાઇના પાણી અભાવે ખેડૂતોને ખેતી કરવી તેમજ પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે.હાલ પશુઓ બચાવવા ઘાસચારો પણ ખરીદવો પડે છે.
અહી જલોતરા નજીક આવેલ કરમાવદ તળાવમાં નર્મદાનું પાણી ભરવામાં આવે તો ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવવાને લઇ સિંચાઇના પાણીની સુવિધા મળી રહે તેમ હોઇ અગાઉ ખેડૂતોએ કરમાવદમાં પાણી ભરવા ઉગ્ર આંદોલન કર્યું હતું. જેને લઇ સરકારે કરમાવદમાં પાણી ભરવાનું આશ્વાસન આપ્યું હતું પંરતુ આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા કરમાવદ સહિત વડગામ અને પાલનપુર તાલુકાના તળાવોમાં નર્મદાનું પાણી ભરવા ખેડૂતોમાં પુનઃ માંગ ઉઠવા પામી છે.
જિલ્લાના મુખ્ય ત્રણ જળાશયના પાણીથી વડગામ પંથકના ખેડૂતો વંચિત: બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા,સીપુ અને મોકેશ્વર મુખ્ય જળાશય આવેલા છે જેમાં દાંતીવાડા ડેમના પાણીનો લાભ ડીસા,ગઢ અને પાટણ જિલ્લાને મળે છે. સીપુ ડેમનું પાણી ધાનેરાને જયારે વડગામ તાલુકામાં આવેલ મોકેશ્વર ડેમના પાણીનો લાભ સિઘ્ધપુર તેમજ ખેરાલુને મળે છે.આમ, પાલનપુર અને વડગામ પંથક ત્રણેય જળાશયના પાણીથી વંચિત રહે છે.