આ જાહેરાત પછી ભક્તોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. શ્રાઈન બોર્ડે યાત્રાળુઓને સલામતી માટે સત્તાવાર સંચાર ચેનલો દ્વારા અપડેટ્સ મેળવતા રહેવાની અપીલ પણ કરી
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલી ત્રિકુટા ટેકરીઓ પર બિરાજમાન માતા વૈષ્ણોદેવીના ભક્તો માટે એક સારા સમાચાર છે. ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવેલી યાત્રા, હવે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫થી ફરીથી શરૂ થશે.૨૬ ઓગસ્ટના રોજ ભારે વરસાદને કારણે વૈષ્ણોદેવી યાત્રાને અટકાવવામાં આવી હતી. આ ઘટનામાં ૩૪ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા અને ૨૦ લોકો ઘાયલ થયા હતા. યાત્રા સ્થગિત થવાથી ભક્તોમાં નિરાશા હતી અને કેટરા બેઝ કેમ્પ પર યાત્રા ફરી શરૂ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શનો પણ થયા હતા.
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ (SMVDSB) એ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર આ અંગેની જાહેરાત કરી. તેમણે પોસ્ટમાં જણાવ્યું કે, “જય માતા દી… અનુકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે વૈષ્ણોદેવી યાત્રા ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ (બુધવાર) થી ફરી શરૂ થશે. ભક્તોને સત્તાવાર માધ્યમો દ્વારા અપડેટ રહેવાની વિનંતી છે.” આ જાહેરાત પછી ભક્તોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. શ્રાઈન બોર્ડે યાત્રાળુઓને સલામતી માટે સત્તાવાર સંચાર ચેનલો દ્વારા અપડેટ્સ મેળવતા રહેવાની અપીલ પણ કરી છે.

