જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાની ઘટના સામે આવ્યા બાદ દેશભરમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને વીણીવીણીને તેમના વતન પાછા મોકલવામાં આવી રહ્યા છે. અગાઉ વડોદરામાંથી એક પ્લેનને રવાના કરી દેવામાં આવ્યું છે. ગતરોજ વડોદરામાંથી ભારતીય વાયુ સેનાનુ વિમાન ભરીને ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને તેમના વતન પાછા મોકલી આપવામાં આવ્યા છે. આ ફ્લાઇટ ઢાકામાં લેન્ડ થનાર હોવાની પ્રાથમિક માહિતી સપાટી પર આવવા પામી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં પણ આ પ્રકારે ડિપોર્ટેશનની કામગીરી ચાલુ રહેશે.
તાજેતરમાં રાજ્યભરમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધી કાઢીને તેમના વતન મોકલવાની કામગીરી પોલીસ તથા અન્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત ગેરકાદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓનો પહેલો જથ્થો વડોદરાથી વાયુસેનાના ખાસ વિમાન મારફતે અગાઉ રવાના કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગતરોજ ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓનો દ્વિતિય જથ્થો તેમના વતન જવા રવાના કરવામાં આવ્યો છે. ભારતીય સેનાના ખાસ વિમાનમાં બેસાડીને 250 લોકોનો બાંગ્લાદેશ રવાના કરવામાં આવ્યા છે.
સુત્રોએ જણાવ્યું કે, સુરત, અમદાવાદ તથા અન્યત્રેથી ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને બસ મારફતે વડોદરા લાવવામાં આવ્યા હતા. તે પૈકી સુરતથી બસ આવી પહોંચી હતી. પરંતુ અમદાવાદ તથા અન્ય જિલ્લાઓમાંથી બસ નહીં આવતા બેઠેલા એકપણને નીચે ઉતરવા દેવામાં આવ્યા ન્હતા. તમામ બસો હરણી એરફોર્સ એરપોર્ટ ખાતે આવી પહોંચતા તમામને અંદર લઇ જવામાં આવ્યા હતા. અમેરિકા બાદ ભારત દ્વારા મોટા પાયે ગેરકાયદેસર વસવાટ કરતા નાગરિકોને તેમના વતન પરત મોકલવાની કામગીરી કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં પણ આ રીતે ડિપોર્ટેશનની કામગીરી ચાલુ રહેશે.