પવનના સુસવાટા, વીજળી ના કડાકા સાથે વરસાદ વરસ્યો; છાપી હાઇવે ઉપર વરસાદી પાણી ભરાતા વેપારીઓ પરેશાન, મોડી રાત્રે વાહનો ની કતારો લાગી વડગામ ના છાપી સહિત સમગ્ર પંથક માં બુધવારની મોડી રાત્રે ભારે પવન ના સુસવાટા અને વીજળી ના કડાકા સાથે અઢી કલાક માં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાયા હતા. વરસાદ ના કારણે છાપી હાઇવે ઉપર જળ ભરાવ થતા વાહનો ની કતારો લાગી હતી.
છેલ્લા એક સપ્તાહ થી ભારે બફારા ના કારણે ગરમી નો પારો ઉચકાતા લોકો ગરમી માં ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જોકે બુધવાર રાત્રે આંધી તેમજ વીજળી ના કડાકા સાથે અઢી કલાક માં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા છાપી હાઇવે સહિત પંથકમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. જોકે અસહ્ય ગરમી માં વરસાદ વરસતા લોકો એ રાહત નો દમ લીધો હતો. છાપી હાઇવે ઉપર ચાલી રહેલ ઓવરબ્રિજ ના કામ ના કારણે રજોસણા ના પાટિયા પાસે મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાતા વાહનો ની લાઈનો લાગી હતી. ઓવરબ્રિજના કામ ના કારણે અનેક દુકાનો આગળ પાણી ભરાતા વેપારીઓ પરેશાન થવા સાથે રોજગાર ઉપર પણ અસર જોવા મળી હતી.
ત્રણ કલાક વીજ પુરવઠો ખોરવાયો બુધવાર મોડી રાત્રે આંધી સાથે વરસાદ વરસતા વીજ ફોલ્ટ થતા ત્રણ કલાક સુધી વિવિધ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમી માં ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.જોકે વરસતા વરસાદમાં પણ વીજ કર્મીઓ એ વીજ ફોલ્ટ દૂર કરી વીજ પૂરવઠો રાબેતા મુજબ કરતા લોકો એ હાશકારો લીધો હતો.


