વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઈઝર પીટર નવારોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીને લઈને ચીન પર વધારાના ટેરિફ લાદવાની ઉતાવળ નહીં કરવાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે અમેરિકા પોતાને નુકસાન પહોંચાડવા માગતું નથી અને ચીન પર હાલમાં પહેલેથી જ ૫૦ ટકા ટેરિફ લાગુ છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ અને ટેરિફ વોરની નીતિ પર વૈશ્વિક સ્તરે ચર્ચા ચાલી રહી છે.
ભારતે પણ રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ખરીદ્યું હોવાથી ટ્રમ્પની ટેરિફ નીતિ ભારત માટે પણ ચિતાનો વિષય બની છે. ભારત ઉપર કુલ ૫૦% ટેરીફ લાદવામાં આવેલ છે અને હજુ પણ વધુ બોજો નાખવામાં આવશે તેવી જાહેરાત કરી છે.જોકે, નવારોના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા હાલમાં ચીન સાથે ટેરિફ વોરને વધુ તીવ્ર કરવાના મૂડમાં નથી. ભારતે આ મામલે પોતાની નીતિને લઈને સ્પષ્ટતા કરતાં ટેરિફને ‘અન્યાયી’ ગણાવ્યું છે અને અમેરિકા સાથે વાટાઘાટો ચાલુ રાખવાની વાત કરી છે.

