૨૬ વર્ષીય ઉર્વીલ પટેલે આઈ.પી.એલ ના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતનો રેકોર્ડ તોડી ઝડપી સદી ફટકારી ટી-૨૦ માં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનનું બીરુદ વડનગરના નામે: વડનગરની ધરતીમાં ગજબની શક્તિ રહેલી છે. તાના અને રીરી બે બહેનોએ મલ્હાર રાગ ગઇ તાનસેનની દાહ શાંત કરી સંગીત ક્ષેત્રે નામના મેળવી હતી. આ ઉપરાંત વડનગરના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી વૈશ્વિક નેતા તરીકે આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે આ ધરતીના પુત્ર ઉર્વીલ પટેલે મુસ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે આઈ.પી.એલના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો. ઉર્વીલ પટેલે ૨૮ બોલમાં સદી ફટકારી ટી-૨૦ ફોર્મેટ માં સૌથી ઝડપી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટસમેન બન્યો છે.
વડનગરના કહીપુર ગામના વતની ઉર્વીલ પટેલના માતા પિતા વ્યવસાયે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છે. ઉર્વીલે માત્ર છ વર્ષની ઉંમરે ક્રિકેટ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવાની શરૂઆત કરી હતી. ઉર્વીલ પટેલ વર્ષ ૨૦૨૩ માં આઇ.પી.એલની ગુજરાત ટાઇટન્સની ટીમમાં પસંદગી પામનાર ઉત્તર ગુજરાતના એક માત્ર ક્રિકેટર હતા. વર્ષ ૨૦૧૮માં ઇન્ડિયા અંડર-૧૯ ની વિશ્વ કપ ટીમમાં પણ પસંદગી પામ્યા હતા.
બીસીસીઆઈ દ્વારા યોજાતી વિજય હજારે લિસ્ટ-એ ટુર્નામેન્ટમાં અરુણાચલ પ્રદેશ સામે ૪૧ બોલમાં ૧૦૦ રન અણનમ બનાવી વર્ષ ૨૦૧૦ ના યુસુફ પઠાણના રેકોર્ડની બરાબર કરી બીજા ભારતીય ક્રિકેટર બન્યા હતા. બરોડા ક્રિકેટ એસોશિયન દ્વારા યોજાતી કિરણ મોરે ટી -૨૦ લીગમાં ૬૬ બોલમાં ૧૮૨ નવો રેકોર્ડ પણ ઉર્વિલ નામે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા ૨૭ નવેમ્બરે વિજય હજારે ટ્રોફીમાં ૪૧ બોલમાં ૧૦૦ રન કરી ઇન્ડિયાના બીજા નંબરના ક્રિકેટર બન્યા હતા જ્યારે ફરી ૨૭ નવેમ્બરના રોજ બરાબર એક વર્ષ બાદ ફરીવાર ૨૮ બોલમાં ૧૦૦ રન કરી દુનિયાના બીજા નંબરના અને ભારતના પહેલા નંબરના ખેલાડી બની સિદ્ધિ હાસલ કરી છે.
વડનગરના રહેવાસી અને હાલમાં પાલનપુર ખાતે રહેતા ઉર્વીલના માતા પિતા એ ઊર્વીલની સખત મહેનત છેલ્લા ૨૦ વર્ષથી જોઇ છે. ઉર્વીલનું સ્વપ્ન ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવી વડનગર નું નામ સમગ્ર દેશમાં રોશન કરવાનું છે.