હત્યા કે આત્મહત્યા ? પોલીસ તપાસનો ધમધમાટ
ડીસા તાલુકાના માલગઢ નજીક રોડની સાઇડમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર સાથે અરેરાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવક રાહ તાલુકાના લખાપુર ગામનો હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ,માલગઢથી પસાર થતા રોડની બાજુમાં કોઈ યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિક લોકોને થઈ હતી. આ અંગે તુરંત જ ડીસા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેની ઓળખની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં મૃતક રાહ તાલુકાના લખાપુર ગામનો દશરથ આંબાભાઈ દલિત હોવાનું સામે આવ્યું હતું.આ કરુણ ઘટનાની જાણ મૃતક યુવકના પરિવારજનોને થતાં તેઓ શોકમાં ગરકાવ થઈ ગયા હતા અને મૃતદેહ લેવા માટે તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે મોકલી આપ્યો છે.
આ બાબતે તાલુકા પોલીસે હત્યા કે આત્મહત્યા ? તે બાબતે ઊંડી તપાસ હાથ ધરી છે. જેમાં આ યુવકનું મોત કેવી રીતે થયું તે એક મોટો સવાલ છે. યુવકની હત્યા કરવામાં આવી છે કે તેણે કોઈ કારણોસર આત્મહત્યા કરી છે, તે અંગેનું રહસ્ય અકબંધ છે.પોલીસે જણાવ્યું છે કે, પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ અને તેની પાછળના સંજોગો સ્પષ્ટ થશે, જેના આધારે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવશે. પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે અને યુવકના પરિવાર તેમજ સંપર્કમાં રહેલા લોકોની પૂછપરછ પણ હાથ ધરી શકે છે.

