ડીસા તાલુકામાં કમોસમી વરસાદથી બટાકા પાકને ભારે નુકસાન : ખેડૂતોની મહેનત પર પાણી

ડીસા તાલુકામાં કમોસમી વરસાદથી બટાકા પાકને ભારે નુકસાન : ખેડૂતોની મહેનત પર પાણી

બનાસકાંઠાના ડીસા તાલુકામાં શિયાળાની શરૂઆતમાં જ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. તાજેતરમાં મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને બટાકાનું વાવેતર કરનારા ખેડૂતોને અણધાર્યા વરસાદના કારણે મોટું નુકસાન વેઠવું પડ્યું છે.

​અચાનક બે ઇંચ જેટલો કમોસમી વરસાદ પડતાં ડીસા તાલુકાના માલગઢ, નાની આખોલ, રાણપુર સહિતના વિસ્તારોના ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાને કારણે વાવેલું બટાકાનું બિયારણ જમીનમાં જ સડી ગયું છે, જેનાથી ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. સડી ગયેલું બિયારણ હવે ઊગી શકે તેમ ન હોવાથી ખેડૂતોને બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડ્યો છે. આ નુકસાન બાદ હવે ખેડૂતો નવેસરથી ખેતી કરવા માટે ફરીથી પોતાના ખેતરો ખેડી રહ્યા છે, જેથી જમીનને વાવેતર માટે તૈયાર કરી શકાય.

​ખેડૂતોની માંગ : સર્વે કરીને વાસ્તવિક સહાય મળે

​ખેડૂતો છેલ્લા ચારથી પાંચ વર્ષથી વરસાદની અનિયમિતતાના કારણે સતત પાકનું નુકસાન ભોગવી રહ્યા છે. તેમ છતાં, તેમને સરકાર તરફથી પૂરતી સહાય ન મળી હોવાની ફરિયાદ છે.

​ખેડૂત મોહનલાલ માળીએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે​“દર વર્ષે આવું નુકસાન થાય છે, પણ કોઈ મદદ મળતી નથી. સરકાર સર્વે કરે અને મદદ આપે.”​ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવીને તેમને થયેલા વાસ્તવિક નુકસાન મુજબ સહાય આપવાની માંગ કરી રહ્યા છે, જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે.

​ટ્રેક્ટર ચાલક નરશીભાઈ યાદવના જણાવ્યા અનુસાર

​“ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતાં હવે જમીન ખેડી રહ્યા છે જેથી નવી ખેતી કરી શકાય.”​કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે અને હવે તેમની નજર સરકાર તરફ છે, કે તેમને ક્યારે યોગ્ય સહાય મળશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *