જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળે દોડી આવી તપાસનો આદેશ કર્યો
પાટણ શહેરના વૃંદાવન બંગલોઝમાં એકલી રહેતી વૃદ્ધ મહિલાની કોઈ અજાણ્યા ઈસમોએ ગળે ટુપો આપી હત્યા કરી હોવાના બનાવે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ શહેરના વૃંદાવન બંગલોઝ એકલા રહેતા ગોદાવરી બેન પરમાર નામની વૃદ્ધ મહિલા પોતાના ઘરમાં એકલા રહેતા હોય બે દિવસ પહેલા રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સે તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને ગોદાવરી બેનને દોરી વડે ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતાર્યા બાદ ફરાર થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વસંતકુમાર નાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને પોલીસ ટીમને આ હત્યામાં સંડોવાયેલ હત્યારાને પકડવા માટે સુચના કરતાં પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને નાયબ પોલીસ અધિક્ષકની ટીમોએ તપાસનાં ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે. શહેરના વૃંદાવન બંગ્લોઝમાં બનેલી આ ઘટનાના પગલે શહેરમાં ચકચાર મચી જવા પામી છે.