બે મહિલાને ઊંઝા પોલીસે મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમીયા માતાજી મંદિરે દેવ દિવાળીના દિવસે સાંજના સમયે દર્શન કરવા આવેલ દર્શનાર્થીના બેગમાં રહેલ સ્ટીલના ડબ્બામાં મૂકેલ સોનાના દાગીના કી રૂપિયા દશ લાખની કોઈ અજાણ્યો ચોર ઇસમ ભીડનો લાભ લઈ ચોરી કરી લઈ જતા ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે ગુનાનો ભેદ ઊંઝા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના ઘરેણા સાથે બે મહિલાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિગતો અનુસાર ઊંઝા શહેરમાં પાટણ રોડ પર આવેલ નોબેલ હાઇટ્સમા મીનાબેન દીપકકુમાર પટેલ રહે છે. જેઓના કુટુંબમાં લગ્ન પ્રસંગ હોય તેમના પતિ સાથે એક્ટિવા પર તેની સાસુના ઘરેણા જે ઊંઝા માર્કેટયાર્ડના બેંકના લોકરમાં પડેલા હોઈ લેવા માટે આવ્યા હતા. જે બેંકમાંથી લઈ સ્ટીલનાં ડબ્બામાં મૂકી બેગ લઈ ઉમિયા માતાજી દર્શન કરવા લાઇનમાં ઊભા હતા ત્યારે ફોન આવતા મોબાઈલ કાઢી વાત કરી રહ્યા હતા તે દરમિયાન ઉતાવળમાં બેગની ચેઇન બંધ કરવાનું ભૂલી ગયા હતા. જેનો લાભ લઈ અજાણ્યો ચોર ઇસમ સ્ટીલના ડબ્બામાં મૂકેલ સોનાના દાગીના લઈ ફરાર થઇ ગયો હતો. તપાસ કરતા દાગીના ના મળી આવતા ઊંઝા પોલીસ સ્ટેશનમાં સોનાના દાગીના કિંમત રૂપિયા દશ લાખ ચોરીની ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
ઉંઝા પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.નિનામાની રાહબરી હેઠળ ટીમો બનાવી તેમજ આ દરમ્યાન પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી મહેસાણાનાઓ દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એલ.સી.બી. મહેસાણાનાઓની અલગ અલગ ટીમો બનાવી આ ગુન્હો શોધી કાઢવા સારૂ અલગ અલગ સીસીટીવી ફુટેજ તથા મહેસાણા કમાન્ડ કંટ્રોલના સીસીટીવી ફુટેજ ચેક કરી તેમજ અન્ય ટેકનીકલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી ગુન્હો શોધી કાઢવા અલગ અલગ ટીમો પ્રયત્નશીલ હતી. દરમિયાન ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા ત્યારે ઊંઝા કામલી રોડ ખાતે આવતા પોલીસને મળેલ બાતમીના આધારે કામલી ગામ તરફથી બે સ્ત્રીઓ પોતાની પાસે શંકાસ્પદ કેટલાક ઘરેણા લાવી ઊંઝા શહેરમાં વેચાણ કરવા સારૂ જવાની છે જે બાતમી હકિકત આધારે વોચ તપાસમાં હતા.
દરમ્યાન ઉપરોકત વિગત વાળી બે સ્ત્રીઓ આવતા તેને ઉભી રખાવી તેમનુ નામઠામ પુછતા પોતાનું નામ (૧) માયાબેન દિલીપભાઇ વાસુભાઇ ઉ.વ.30 રહે.મહેસાણા ગાયત્રી મંદિરની પાછળ છાપરામાં તા.જી.મહેસાણા (2) કાજલબેન અજયભાઇ હીરાભાઈ ઊ.વ.22 રહે. મહેસાણા ગાયત્રી મંદિરની પાછળ છાપરામાં, તા.જી.મહેસાણાવાળી હોવાનું જણાવતા જેની મહિલા કોન્સ્ટેબલ મારફતે ઝડતી તપાસ કરાવતા તેઓ બન્ને પાસેથી કાપડની થેલીઓ મળી આવેલ તેમા તપાસ કરતા એક સ્ટીલનો ડબ્બો તથા એક પ્લાસ્ટીકનો ડબ્બો મળી આવ્યો હતો. ડબ્બામાં રહેલ દાગીના બાબતે બીલ કે આધાર પુરાવા માગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ જેથી સદરી સ્ત્રીઓને યુક્તિ પ્રયુકતિથી પુછપરછ કરતા ચોરીમાં ગયેલ સોનાના દાગીના ગઇ તા.૦૫/૧૧/૨૦૨૫ના રોજ ઊઝા ઊમિયા માતાના મંદિરમાંથી એક બહેનની બેગમાં સ્ટીલના ડબ્બામાં રાખેલ હતા જે ચોરી કરી ભાગી ગયેલ હોવાનું જણાવતા પોલીસે બન્ને સ્ત્રીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ઊંઝા પોલીસ દ્વારા ચોરીનો અનડીટેકટ ગુનો શોધી ચોરીમાં ગયેલ મુદામાલ તથા ચોર ઇસમોને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
રીકવર કરેલ મુદ્દામાલ
(૧) સોનાની બંગડી નંગ ૦૪ વજન ૪૭.૪૦૦ ગ્રામ કિંમત રૂપિયા ૪,૭૯,૯૨૫
(૨) સોનાની મગમાળા નંગ ૦૧ વજન ૨૬.૭૫૦ ગ્રામ કિંમત રૂપિયા ૨,૭૨,૪૦૦
(૩) સોનાની ચીણી નંગ-૦૨ વજન ૦૧.૫૦૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૩,૫૬૦
(૪) સોનાની ચેન નંગ ૦૧ વજન ૧૫.૪૯૦ ગ્રામ કિંમત રૂપિયા ૧,૪૯,૩૬૬
(૫) સોનાની લેડીઝ વિંટી નંગ ૦૧ વજન ૦૨.૩૬૦ ગ્રામ કિંમત રૂપિયા ૨૨,૭૦૦
(૬) સોનાની જેન્ટ્સ વિંટી નંગ ૦૧ વજન ૦૩.૭૫૦ ગ્રામ કિંમત રૂપિયા ૩૬,૦૦૦
(૭) સૌનાની કાનની બુટ્ટી નંગ ૦૨ વજન ૦૨.૫૦૦ ગ્રામ કિંમત રૂપિયા ૨૪,૬૨૦
(૮) સોનાનો રવો (કટકો) નંગ ૦૧ વજન ૦૦.૪૦૦ મિ.લી. ગ્રામ કિંમત રૂપિયા ૩૩૯૦

