રાજનગર પરિવાર દ્વારા 21 દિવસનો સમર કેમ્પ, 70થી વધુ બાળકોએ લીધો લાભ
પાલનપુરના રાજનગર બંગલોઝ પરિવાર દ્વારા વેકેશન દરમિયાન બાળકોને મોબાઈલની લતમાંથી દૂર રાખવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી હતી. સોસાયટીના આગેવાનોએ 21 દિવસનો સમર કેમ્પનું આયોજન કરતાં આ કેમ્પમાં 70થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.સમર કેમ્પમાં બાળકોને શ્લોક બોલતા શીખવવામાં આવ્યા હતા. રમત-ગમતના માધ્યમથી સંસ્કારની શિક્ષા આપવામાં આવી હતી. બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય તે માટે ચિત્રકલા અને વાર્તાઓનો સહારો લેવામાં આવ્યો હતો.
રોજ સવારે 8 થી 11 વાગ્યા સુધી ચાલતા આ કેમ્પમાં બાળકોને સ્ટેજ પર બોલવાની તાલીમ પણ આપવામાં આવી હતી. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ બાળકોને મોબાઈલથી દૂર રાખવાનો અને તેમનામાં પારિવારિક ભાવના થકી સંસ્કારોનું સિંચન કરવાનો હતો. સમર કેમ્પમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે બાળકો માતા-પિતાને પગે લાગીને આવે તેમને ઇનામ સ્વરૂપે ચોકલેટ અને પેન આપવામાં આવતી હતી. આ પ્રયોગનું સકારાત્મક પરિણામ જોવા મળ્યું હતું. કેમ્પના અંતિમ દિવસે 90 ટકા બાળકો માતા-પિતાને પગે લાગીને આવતા થયા હતા.
આ અંગે રાજનગર પરિવાર ના પ્રમુખ મનોજભાઇ ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે ખાલી બાળક ને મોબાઈલ મૂકી દે એવું કહેવાથી જવાબદારી પૂર્ણ નહીં થાય આપણે એને સમય આપવો પડશે બીજી એક્ટિવિટી માં ભાગીદાર બનાવવો પડશે અને તો જ બાળક પોતાની કળા ને ખીલવી શકશે.