ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના બજારનો વિકાસ આગળ જતાં ઘણો સારો થવાનો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દેશના ઈવી સેક્ટરમાં વર્ષ 2030 સુધીમાં લગભગ 5 કરોડ નોકરીઓનું સર્જન થશે. ગડકરીએ જણાવ્યું હતું કે 2030 સુધીમાં ભારતીય ઈલેક્ટ્રિક વાહનોનું બજાર 20 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે 2030 સુધીમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ફાઈનાન્સ માર્કેટનું કદ 4 લાખ કરોડ રૂપિયાની આસપાસ હશે.
હાઈવે મંત્રીએ કહ્યું કે ભારતમાં 40 ટકા વાયુ પ્રદૂષણ ટ્રાન્સપોર્ટ સેક્ટરને કારણે થાય છે. ભારત રૂ. 22 લાખ કરોડના અશ્મિભૂત ઇંધણની આયાત કરે છે, જે એક મોટો આર્થિક પડકાર છે. અશ્મિભૂત ઇંધણની આ આયાત આપણા દેશમાં ઘણી સમસ્યાઓ ઊભી કરી રહી છે. ગડકરીના જણાવ્યા અનુસાર, સરકાર ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કારણ કે ભારતનો 44 ટકા વીજળીનો વપરાશ સૌર ઉર્જામાંથી થાય છે.
ગડકરીએ ઓટોમોબાઈલ કંપનીઓને ઈલેક્ટ્રિક વાહનોની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા પણ જણાવ્યું હતું. ગડકરીએ કહ્યું કે જ્યારે તેમણે 2014માં પરિવહન મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગનું કદ રૂ. 7 લાખ કરોડ હતું. આજે ઓટોમોબાઈલ સેક્ટરનું કદ રૂ. 22 લાખ કરોડ છે. આપણે વિશ્વમાં ત્રીજા નંબર પર છીએ. અમે જાપાનને પાછળ છોડી દીધું છે.