કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ૨૧ જૂને ગુજરાતની મુલાકાતે તેવી સંભાવના

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ૨૧ જૂને ગુજરાતની મુલાકાતે તેવી સંભાવના

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાશે

યોગના મહત્વને ઉજાગર કરવા વિશ્વભરમાં ૨૧ જૂને યોગ દિવસની ઉજવણી : ૨૦૨૩માં સુરતમાં ૧.૪૭ લાખ લોકોના યોગ સેશને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો : ૨૦૨૪માં સૂર્ય નમસ્કારનો પણ રેકોર્ડ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આગામી શનિવાર, ૨૧ જૂનના રોજ તેમના વતન ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. શાહ અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે ૨૧ જૂને વિશ્વભરમાં સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગના મહત્વને ઉજાગર કરવા માટે ઉજવવામાં આવે છે. હજારો વર્ષો જૂની પરંપરા ધરાવતો યોગ સંતુલિત અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને દૈનિક જીવનમાં સામેલ કરવા માટે શરૂ કરાયેલ અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૩ ના રોજ, ગુજરાત યોગ બોર્ડ દ્વારા સુરતમાં આયોજિત યોગ સત્રમાં ૧,૪૭,૯૫૨ લોકોએ ભાગ લઈને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. એક સાથે યોગ કરનારા લોકોના સૌથી મોટા સમૂહ તરીકે આ સિદ્ધિ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાઈ હતી. આ વિરાસતને આગળ વધારતા, ૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ વધુ એક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો હતો, જ્યારે મોઢેરા સૂર્ય મંદિર સહિત ૧૦૮ સ્થળોએ ૫૦,૦૦૦ થી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાત ગુજરાતમાં યોગના પ્રચાર અને જનજાગૃતિ માટે વધુ પ્રોત્સાહન પૂરું પાડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *