ખાનગી યુનિવર્સિટીઓ ને UGC ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન ભારે પડ્યું
(જી.એન.એસ) તા.6
નવી દિલ્હી/અમદાવાદ/ગાંધીનગર,
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ ગુજરાતની 8 સહિત સમગ્ર દેશની 54 ખાનગી યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરીને કડક કાર્યવાહી કરી છે. નિયમના ભંગ બદલ UGC યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરી છે. તેમાં નિયમ મુજબ દરેક યુનિવર્સિટીએ કોર્સ, સ્ટાફ, રિસર્ચ સહિતની માહિતી વેબસાઈટ પર જાહેર કરવી ફરજિયાત છે. UGC એ વર્ષ 2024 માં બહાર પાડેલી ગાઇડલાઇન મુજબ, આ તમામ માહિતી વિદ્યાર્થીઓ, વાલીઓ અને જનતા માટે કોઈપણ લોગ-ઇન કે રજિસ્ટ્રેશન વિના સરળતાથી ઉપલબ્ધ હોવી ફરજિયાત છે. જેમાં ખાત્રજની ગાંધીનગર યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર થઇ છે. જાહેરમાં મોટી મોટી જાહેરાત અને દાવા કરતી યુનિવર્સિટીની પોલ ખુલી છે. જેમાં ઉવારસદની જે.જી યુનિ, અમદાવાદના મણિનગરની ટ્રાન્સ્ટેડિયા યુનિવર્સિટી, સુરેન્દ્રનગર યુનિવર્સિટી, એમ કે યુનિવર્સિટી, કે એન યુનિવર્સિટી, ટીમ લીઝ સ્કીલયુનિવર્સિટી,પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલયુનિવર્સિટીએ માહિતી જાહેર કરી નથી.
આ પહેલા UGC દ્વારા એન્ટી રેગિંગ ગાઇડલાઇન જાહેર કરીને તમામ યુનિવર્સિટીઓને તેનું પાલન કરવા તેમજ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓ પાસેથી એન્ટી રેગિંગ અંગેની પૂરતી વ્યવસ્થા અને સલામતી છે તેનું અંડર ટેકીંગ લઇને તમામ ડેટા સબમીટ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. આ માટે દરેક યુનિવર્સિટીને યુજીસીએ નિર્ધારિત સમય પણ આપ્યો હતો. જો કે, દેશની 89 યુનિવર્સિટીએ આ બાબતને ધ્યાનમાં લીધી ન હતી અને ગાઈડલાઈનનું પાલન કર્યું ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહી શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા જાળવવા માટેનું મહત્ત્વપૂર્ણ પગલું છે. UGC એ વર્ષ 2024 માં એક માર્ગદર્શિકા બહાર પાડી હતી, જે મુજબ તમામ યુનિવર્સિટીઓએ તેમની વેબસાઇટ પર કોર્સ, ફેકલ્ટી, રિસર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફીનું માળખું, શાસન અને ફાયનાન્સ સાથે જોડાયેલી દરેક માહિતી અપલોડ કરવી જરૂરી છે. આ વિગતો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સરળતાથી સુલભ થવી જોઈએ, જેના માટે કોઈ રજિસ્ટ્રેશન કે લોગ-ઇનની આવશ્યકતા ન રહે તેવો સ્પષ્ટ નિર્દેશ હતો. જોકે, દેશભરની 54 ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
UGC એક્ટ-1956 ની કલમ 13 અંતર્ગત નિરીક્ષણ (ઈન્સપેકશન) ની જાણકારી માટે જરૂરી દસ્તાવેજો રજિસ્ટ્રારને નિર્ધારિત સમયમાં જમા કરાવવાની સૂચના હોવા છતાં, યુનિવર્સિટીઓ દ્વારા તેનું પાલન કરવામાં આવ્યું ન હતું. આ ઉલ્લંઘનને કારણે UGC એ ગુજરાતની 8 સહિત દેશની 54 યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરી છે. ગુજરાતની ડિફોલ્ટર યુનિવર્સિટીઓની યાદીમાં સુરેન્દ્રનગર યુનિવર્સિટી (વઢવાણ) ઉપરાંત ગાંધીનગર યુનિવર્સિટી (કલોલ), જે.જી. યુનિવર્સિટી (ઉવારસદ), કે એન. યુનિવર્સિટી (અમદાવાદ), એમ.કે. યુનિવર્સિટી (પાટણ), પ્લાસ્ટઈન્ડિયા ઈન્ટરનેશનલ યુનિવર્સિટી (વાપી), ટીમ લીઝ સ્કિલ્સ યુનિવર્સિટી (વડોદરા), અને ટ્રાન્સ્ટેડિયા યુનિવર્સિટી (અમદાવાદ) નો સમાવેશ થાય છે. UGC એ તમામ ડિફોલ્ટર યુનિવર્સિટીઓને તાત્કાલિક નિયમોનું પાલન કરીને વિગતો જાહેર કરવાની અંતિમ ચેતવણી આપી છે.

