બનાસકાંઠાના એવા બે ગામ જ્યાં બે સાંસદ -બે ધારાસભ્ય છતાં ગામ વિકાસથી વંચિત

બનાસકાંઠાના એવા બે ગામ જ્યાં બે સાંસદ -બે ધારાસભ્ય છતાં ગામ વિકાસથી વંચિત

25 વર્ષથી રોડ રસ્તા અને પુલ સહિતની માંગની રજુઆત છતાં ગ્રામજનો રાજકારણના આટાપાટામાં અટવાયા

બનાસકાંઠાના એવા બે ગામ કે જે માત્ર નામથી અલગ છે. બાકી આ બે ગામ વચ્ચે 20 ફૂટનું પણ અંતર નથી આ બે ગામની કમનસીબી એ છે કે બે ગામ ભેગા છે છતાં બે ધારાસભ્ય અલગ લાગે છે. અને બે સંસદસભ્ય પણ અલગ લાગે છે. બે બે સાંસદ-બે બે ધારાસભ્ય હોવા છતાં આ બંને ગામો આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે. લોકો કહી રહ્યા છે કે નેતાઓ વોટ લેવા આવે છે. ત્યારે વચનો આપે છે. પરંતુ વિકાસની વાતો કરતી સરકાર કે તંત્ર અમારું સાંભળતી નથી. અને 25 વર્ષથી અમે રોડ રસ્તા, પુલ સહિતની માંગણીઓની રજૂઆતો કરી કરીને થાક્યા પરંતુ વિકાસનાં કોઈ કામ થતાં નથી.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કૂંપર અને ભાટવડી ગામની આ વાત છે. આ બંને ગામ વચ્ચે માત્ર એક રસ્તો એટલે કે 20 ફૂટનું જ અંતર છે. ભાટવાડી ગામ પાલનપુર તાલુકામાં આવે છે જ્યાં તેમને પાલનપુર વિધાનસભા લાગે છે અને ધારાસભ્ય અનિકેત ઠાકર છે. અને સાંસદ તરીકે ગેનીબેન ઠાકોર છે.તો બીજી તરફ કુંપર ગામ પણ પાલનપુર તાલુકામાં આવે છે. પરંતુ તે વડગામ વિધાનસભામાં આવે છે. જ્યાં તેમના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છે. અને સાંસદ પાટણનાં ભરત સિહ ડાભી લાગે છે. ત્યારે કુંપર અને ભાટવડી બંને ગામ બાજુમાં આવેલા આંબલિયાળ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવે છે. આમ તો આ ગામમાં જઈને જોઈએ તો માત્ર ગામના નામ જ અલગ છે. બાકી અહીંયા લોકો એક જ ગામ માને છે. જોકે જિલ્લાનાં વડા મથક પાલનપુરથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા આ બે ગામ વર્ષોથી ઉમરદસી નદી ઉપર પુલ બનાવવા માટેની માંગણી કરી રહ્યા છે. રોડ રસ્તા સારા બને તે માટેની માંગ કરી રહ્યા છે. પણ રાજકારણ અને તંત્રનાં આટાપાટામાં બંને ગામ અટવાયા છે. અને આ ગામોનો વિકાસ અટકી ગયો છે.

ચોમાસા દરમિયાન ઉમરદશી નદીમાં પાણી આવે ત્યારે આ ગામો સાથે અનેક ગામડાઓનો સંપર્ક તૂટી જાય છે. આ ગામમાં પણ ભાજપ કોંગ્રેસ વચ્ચે વિકાસ પિલાઈ રહ્યો હોય તેવું લોકો માની રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે નેતાઓને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ પુલ બનાવવામાં આવતો નથી. ગામથી પાલનપુર જવાનો રોડ પણ બિસ્માર હાલતમાં છે. રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. વાહનો રોડ ઉપર પટકાય છે. આ રોડ નવો બનાવવામાં આવતો નથી ત્યારે વડા મથક પાલનપુર જવા માટે 10 કિલો મીટર વધારે ફરીને જવું પડે છે. કરોડો રૂપિયાનાં પુલ બનાવતી સરકાર અમારા ગામમાં વિકાસ કરવા માટે 25 વર્ષથી રાહ જોઈ રહી છે. તેવો લોકોએ કટાક્ષ કર્યો હતો.

સીમાંકન સાથે વિકાસનો પ્રશ્ન વિચારણીય; કુંપર અને ભાટવડી આ ગામ 20 ફૂટના અંતરે છે તો કયા સમીકરણો અને કયા સીમાંકનને આધારે આ ગામોનું સીમાંકન બનાવ્યું કે આ ગામો અલગ અલગ વિધાનસભા અને અલગ અલગ સંસદીય ક્ષેત્રમાં વહેચાઈ ગયા એ એક વિચારવા જેવી વાત છે. જોકે માની લઈએ બંને ગામોનાં સાંસદ અને ધારાસભ્ય ક્ષેત્ર અલગ છે. પરંતુ વિકાસ કેમ કરવામાં આવતો નથી. તે સવાલ પણ સો મણનો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *