મહેસાણા શહેરમાં એક જ રાત્રે કારમાં અને લોડિંગ ટેમ્પામાં આગ લાગવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા હાઈવે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેરના મોઢેરા અંડરબ્રિજમાંથી પસાર થઈ રહેલ GJ-08-AY-0048 નંબરના લોડિંગ ટેમ્પામાં ચાલુ વાહને અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જ્યારે આગ લાગવાના બીજા એક બનાવમાં અમદાવાદ-મહેસાણા હાઇવે પર આવેલા મેવડ ટોલનાકા પાસે એક અર્ટિગા કાર GJ-27-EC-7659 નંબરની કારના આગળના ભાગમાં અચાનક આગ સળગી ઉઠી હતી. જોકે સદનસીબે કારમાં સવાર તમામ મુસાફરોનો આ ઘટનામાં આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ મહેસાણા ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક અલગ અલગ બંને સ્થળો પર પહોંચી જઈ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી.મોઢેરા ચાર રસ્તા નજીક આવેલા અંડરબ્રિજમાં લોડિંગ ટેમ્પામાં અચાનક લાગેલી આગમાં ફર્નિચર અને ગાડી બળીને ખાખ થઈ જવા પામ્યા હતા.
જેમાં લોડિંગ ટેમ્પાના ચાલક અમદાવાદથી ફર્નીચર અને સ્કૂટી ભરીને પાલનપુર તરફ જઇ રહ્યા હતા. તે સમયે મોઢેરા ચાર રસ્તા નજીકના અંડરબ્રિજમાં લોડિંગ ટેમ્પો પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક આગ લાગી હતી. આગ ભભૂકતાની સાથે ટેમ્પો ચાલક ટેમ્પોમાંથી તાત્કાલિક બહાર નીકળી ગયો હતો. જે બનાવના પગલે સ્થાનિક વાહનચાલકો અને લોકોએ મહેસાણાના ફાયર વિભાગને જાણ કરતા ફાઉર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગમાં ફર્નિચર અને ગાડી બળીને ખાખ થઈ જવા પામ્યા હતા.જ્યારે આગ લાગવાની બીજી એક ઘટના અમદાવાદ-મહેસાણા હાઇવે પર આવેલા મેવડ ટોલનાકા નજીક મધ્યરાત્રીએ એક GJ27EC7659 નંબરની આર્ટિગા કારમાં આગ લાગતા આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આજ્ઞા આ બનાવમાં આર્ટિગા કારમાં સવાર લોકો અમદાવાદથી ડીસા તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન મહેસાણાના મેવડ ટોલ નાકાના ટ્રાફિકમાંથી બહાર આવ્યા અને પાછળથી આવતી એક ગાડીના ચાલકે હોર્ન વગાડીને કારમાં આગ લાગી છે અને ધૂમાડો નીકળી રહ્યો છે જે બાબતે ચેતવ્યા હતા.


