છેલ્લા ચાર વર્ષ થી બંધ સીટી બસો શરૂ થાય તે માટે પાલિકા નું કોઈ આયોજન ન હોવાનું જણાવતું પાલિકા સુત્ર
પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં લોકોને અવરજવર કરવા માટે સીટી બસની સુવિધા પૂરી પાડવા સરકારની ગ્રાન્ટ માંથી અંદાજિત ૨૦ લાખના ખર્ચે ૨ મીની સીટી બસ ૨૦૧૩ વસાવવામાં આવી હતી પરંતુ સીટી બસના સંચાલન દરમિયાન પાલિકાને આવક સામે ખર્ચ વધારે આવતા વર્ષ ૨૦૨૦ થી સીટી બસની સેવા બંધ કરીને બંન્ને સીટી બસો પાલિકા ના વાહન શાખામાં મૂકી દેવાતા છેલ્લા ૪ વર્ષથી કેમ્પસમાં પડી રહેલી આ બંને સીટી બસોની હાલત ભંગાર બની જવા પામી છે.તો પાલિકા દ્વારા રિપેરિંગનું કોઈ આયોજન કરાયું ના હોય બસ હવે શહેરમાં ફરીથી દોડી શકે તેવી સ્થિતિમાં પણ ના હોવાનું જાણવા મળ્યું છે.
પાલિકાએ વર્ષ ૨૦૧૨-૧૩માં મુખ્યમંત્રી ભંડોળમાંથી ૨૦ લાખની કિંમતની બે સીટી બસની ખરીદી શહેરમાં અનાવાડા દરવાજાથી મુખ્ય બજાર, રેલવે સ્ટેશન થઈ હાઈવે ઊંઝા ત્રણ રસ્તા હાંસાપુર-ચાણસ્મા હાઇવે પર, સંખારી રોડ, રાણકીવાવ તેમજ અન્ય વિસ્તારોમાં દિવસ દરમ્યાન માત્ર ૫ થી ૨૦ રૂપિયાના નજીવા ભાડામાં દોડતી હતી જેનો શહેરીજનો લાભ પણ લઈ રહ્યા હતા. પરંતુ પાલિકાના સત્તાધીશો એ ૨૦૨૦ માં કોરોના દરમિયાન આ સેવા બંધ કરી કેમ્પસ માં મૂક્યા બાદ ફરીથી સિટી બસને કાર્યરત કરી જ નહીં જેના કારણે છેલ્લા ૪ વર્ષથી પાટણના શહેરીજનો સીટી બસની સુવિધાથી વંચિત છે.
આ બાબતે વાહન શાખા અધિકારીએ જણાવ્યું હતું કે સીટી બસ બાબતે અત્યારે કોઈ અપડેટ નથી છેલ્લા ૪-૫ વર્ષથી પાર્ક કરેલી છે. હાલમાં કઈ પણ સીટી બસ બાબતે સેવા કાર્યરત કરવાનો કોઈ આયોજન નથી. આવક સામે ખર્ચ વધુ હોય બંધ કરી સીટી બસમાં શહેરીજનો પાસેથી રૂટ માટે માત્ર પ થી ૨૦ રૂપિયા સુધીની નજીવી રકમ જ લેવામાં આવતા દિવસની આવક ૪૦૦ થી ૫૦૦ રહેતી હતી. સામે બે ડ્રાઈવર, બે કંડકટર તેમજ ડીઝલ અને બસનું મેન્ટેનન્સનો ખર્ચ વધારે થતો હોય પાલિકાને ભારણ પડી રહ્યું હતું. છેલ્લે બે લાખ જેટલું અંદાજે નુકસાન થતા સીટી બસને કોરોના સમય બંધ કરી દેવાઈ હોય ત્યારબાદ પાલિકા દ્વારા આ સીટી બસ ચાલુ કરવા માટે કોઈ કાયૅવાહી જ કરવામાં આવી ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.