ગોઝારીયાથી ગાંધીનગર રોડ ઉપર વોચ રાખીને મહેસાણા પોલીસે એક પીકઅપ ડાલામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. મગફળીના કોથળા નીચે સંતાડી લઈ જવાતી દારૂ અને બિયરની 2208 બોટલ સહિત કુલ રૂપિયા 8.89 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લામાં દારૂની હેરાફેરી અને માદક પદાર્થોની હેરાફેરી કરતા તત્વો સામે અસરકારક કામગીરી દરમિયાન પોલીસને હકિકત મળેલી, જેના આધારે મહેસાણા પોલીસે ગોઝારીયાથી ગાંધનગર રોડ પર આવેલી ચૌધરી હોટલ નજીક રોડ પર વોચ ગોઠવી હતી. ત્યારે અહીંથી મગફળી અને ભુસુ ભરેલા કોથળા ભરેલુ એક પીકઅપ ડાલુ પસાર થતાં તેને થોભાવ્યો હતો. પીકઅપ ડાલામાં તપાસ કરતાં અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બીયરની 2208 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે પીરાભાઈ ડુંગરીજી રબારી રહે ઢોલિયા 1 રબારીવાસ, અમીરગઢ અને કુલદીપ ગોપાલસિંહ ચાવડા રહે, પઢારીયા, તા.મહેસાણાની અટકાયત કરી હતી.
ઝડપાયેલા આરોપીઓએ પુછપરછ દરમિયાન દારૂનો જથ્થો રામલાલ રાજપુત રહે,આબુરોડે મોકલી આપ્યો હતો અને પઢારીયાના સિધ્ધરાજ ઉર્ફે કાળુભા બહાદુરસિંહ ચાવડાએ મંગાવ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે વોન્ટેડ સહિત ચાર આરોપીઓ સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને દારૂ, વાહન, 2 મોબાઈલ, મગફળીના કોથળા સહિતની મત્તા કબજે કરી હતી.