બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બે ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો, પરંતુ આ ટૂંકા ગાળાના વરસાદે સમગ્ર શહેરના જનજીવનને ખોરવી નાખ્યું હતું. નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનિંગની પોલ ખૂલી ગઈ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે શહેરની અનેક મુખ્ય સોસાયટીઓમાં અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.
વરસાદના કારણે શહેરની રામનગર, સરગમ બંગ્લોઝ, ડાયમંડ સોસાયટી, વાડીરોડ, ઇન્દ્રાનગર સોસાયટી સહિતની અનેક સોસાયટીઓના રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાથી રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડી હતી.

