ડીસા શહેરમાં ગુરુવારે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના પગલે મામલતદાર કમ્પાઉન્ડમાં આવેલા વર્ષો જૂના આંબલીના બે વિશાળ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. સદભાગ્યે, આ ઘટના વહેલી સવારે બની હોવાથી લોકોની અવરજવર નહિવત્ હતી, જેથી કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થતા અટકી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે વહેલી સવારથી ડીસા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સતત વરસતા વરસાદના કારણે જમીન પોચી પડી ગઈ હતી અને ભારે પવન સાથેના વરસાદને કારણે મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં ઉભેલા બે જૂના આંબલીના વૃક્ષો મૂળમાંથી ઉખડી પડ્યા હતા.
આ વૃક્ષો દિવસ દરમિયાન પડ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત, કારણ કે મામલતદાર કમ્પાઉન્ડમાં સામાન્ય રીતે લોકોની અવરજવર અને વાહનોના પાર્કિંગ હોય છે. જોકે, વહેલી સવારે આ ઘટના બનતા કોઈ જાનહાનિ થઈ ન હતી, જેને લઈ તંત્ર અને સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. આ ઘટનાના પગલે કમ્પાઉન્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત, આ વિશાળ વૃક્ષો ધરાશાયી થતા તેના પર આશ્રય લેતા અનેક પક્ષીઓએ પોતાનું આશ્રય સ્થાન ગુમાવ્યું હતું.