સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર ગામમાં એક દુ;ખદ ઘટના સામે આવી છે. રતનપુરના સુકાઆંબા વિસ્તારની નીચલી ફળીમાં એક મકાનની માટીની દિવાલ ભેજને કારણે ધસી પડી હતી.ઘટના સમયે ઓસરીમાં ત્રણ બાળકો રમી રહ્યા હતા. આ બાળકોમાં દિલીપ મકવાણા (4 વર્ષ), આશાબેન મકવાણા (7 વર્ષ) અને રવિન્દ્ર મકવાણા (10 વર્ષ)નો સમાવેશ થાય છે. દિવાલ ધસી પડતાં ત્રણેય બાળકો માટી નીચે દટાઈ ગયા હતા.
આસપાસના લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્રણેય બાળકોને માટી નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા. રવિન્દ્રને ખેડબ્રહ્મા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દિલીપ અને આશાબેનને વધુ સારવાર માટે હિંમતનગર લઈ જતી વખતે વડાલી નજીક બંનેના મોત નિપજ્યા હતા.ઘટના અંગે અમરતભાઈ મકવાણાએ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.