શિબિરમાં વિધાર્થીઓને રોજિંદા જીવનમાં યોગ અને પ્રાણાયામ કરવાના ફાયદાઓ વિશે સમજ અપાઈ; આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી પાટણના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) સમોડા ખાતે ૧૧ માં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે “યોગ મહાકુંભ ઇવેન્ટ” અંતર્ગત એમ.જે.મોમીન કિસાન હાઈસ્કૂલ ખાતે બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ યોગ શિબિરમાં મેડિકલ ઓફિસર ડૉ.રાહુલ ડી.સોલંકી દ્વારા વિધાર્થીઓને રોજિંદા જીવનમાં યોગ અને પ્રાણાયામ કરવાના ફાયદાઓ વિશે સમજૂતી આપવામાં આવી હતી. યોગથી તણાવ દૂર થાય છે, એકાગ્રતા વધે છે યોગ શરીરમાં માનસિક ફેરફારો પણ લાવે છે. ઘણા લોકો મનની શાંતિ માટે વારંવાર યોગ કરે છે. આ ઉપરાંત મગજને લગતી બીમારીઓ તેમજ મેદસ્વિતા પણ યોગ કરવાથી મટાડી શકાય છે. આ શિબિરમાં હાઇસ્કૂલના આચાર્ય કમાલખાન ચાવડાએ પણ યોગ અને પ્રાણાયામમાં ભાગ લઈ વિધાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. અને યુવાનો વધુમાં વધુ યોગ તરફ આગળ વધે એવું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.