મહેસાણા તાલુકા પોલીસે સોના-ચાંદીની ઠગાઈ કરનારા બે શખ્સોની ધરપકડ કરી છે. પાંચોટ સર્કલ પર આવેલા મહાકાળી જ્વેલર્સમાં આ ઠગાઈ આચરવામાં આવી હતી. આરોપીઓએ મંદિરના ટ્રસ્ટીઓના નામે દાન આપવાનું કહી સોના-ચાંદીની લગડીઓની ખરીદી કરી હતી. તેમણે 4.23 લાખ રૂપિયાનો બોગસ ચેક આપ્યો હતો.
પોલીસે રાજકોટના જેતપુર સરદાર ચોક પાસેથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ૨૩ દિવસ પહેલા આ ઠગાઈ આચરી હોવાની કબૂલાત કરી છે. પકડાયેલા આરોપીઓમાં શૈલેષ ઉર્ફે ચીકુ છગન ઉધાડ પટેલ (રહે. ખોડલધામ સોસાયટી, ગોંડલ-રાજકોટ) અને કલ્પેશ ઉર્ફે ભોડી વજુભાઈ વોરા પટેલ (રહે. બોરડી, જેતપુર-રાજકોટ)નો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી સોના અને ચાંદીની લગડીઓ જપ્ત કરી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓના નામે જ્વેલર્સને ફોન કરાવતા હતા. મંદિરમાં દાન કરવાના બહાને સોનું અને ચાંદી ખરીદી બેલેન્સ વગરના એકાઉન્ટનો ચેક આપતા હતા. શૈલેષ વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ, રાજકોટના માલવીયા પોલીસ સ્ટેશન અને જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહેલેથી જ ગુનાહિત રેકોર્ડ નોંધાયેલો છે.