અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાની એક ફેડરલ અપીલ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા મોટાભાગના ટેરિફ કાયદા મુજબ નથી. અપીલ કોર્ટે ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા છે. કોર્ટે શુક્રવારે ચુકાદો આપ્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પના મોટાભાગના નવા ટેરિફ ગેરકાયદેસર છે. કોર્ટે ફેડરલ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડના નિર્ણયને સમર્થન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે વ્યાપક ટેરિફને યોગ્ય ઠેરવવા માટે રાષ્ટ્રપતિ દ્વારા આર્થિક કટોકટીની જાહેરાત 1977ના કાયદા અને યુએસ બંધારણનું ઉલ્લંઘન કરે છે.
ટ્રમ્પે કહ્યું ટેરિફ દૂર કરવાનો નિર્ણય દેશ માટે સંપૂર્ણપણે વિનાશક; તે જ સમયે, અપીલ કોર્ટના નિર્ણય પછી યુએસ રાષ્ટ્રપતિએ એક નિવેદન બહાર પાડ્યું છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પુષ્ટિ આપી હતી કે દેશો પર લાદવામાં આવેલા તમામ ટેરિફ અમલમાં રહેશે. તેમણે કોર્ટના નિર્ણયને પક્ષપાતી અને ખોટો ગણાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે તમામ ટેરિફ હજુ પણ અમલમાં છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ખૂબ જ પક્ષપાતી રીતે કોર્ટે કહ્યું છે કે અમારા ટેરિફ દૂર કરવા જોઈએ, પરંતુ તેઓ જાણે છે કે અંતે યુનાઇટેડ સ્ટેટ્સ જીતશે. ટ્રમ્પે કહ્યું હતું કે ટેરિફ દૂર કરવાનો નિર્ણય દેશ માટે સંપૂર્ણપણે વિનાશક રહેશે. તે આપણને આર્થિક રીતે નબળા બનાવશે.

