રૂ.42.11 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત; બનાસકાંઠા એલસીબી પોલીસે ભાભર તાલુકાના અસાણા ગામની સીમમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રાજસ્થાન પાસિંગની ટ્રક નંબર RJ-04-GA-5787 માંથી રૂ. 24.01 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કર્યો છે.
પોલીસે ટ્રકમાંથી કુલ 264 પેટી અને 48 છૂટક બોટલ મળી કુલ 3744 બોટલ/ટીન જપ્ત કર્યા છે. ટ્રક સહિત કુલ રૂ.42.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના વગતારામ જગમાલરામ જાટને પકડી પાડ્યો છે.
જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર એ.વી. દેસાઈની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. પોલીસે દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય આરોપીઓ વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

