મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન વિશેષ કરુણા અભિયાનનું આયોજન કરાયું હતું. મકરસંક્રાતિના પર્વ દરમિયાન અબોલ ઘાયલ પશુ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી ૧૯૬૨ કરુણા અભિયાન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં ૬૬ અબોલ પશુ પક્ષીઓને સારવાર અપાઇ છે. જેમાં ૮ પક્ષીઓ, ૪૮ કૂતરાઓ, ૯ ગાયો અને ૧ બિલાડીનો સમાવેશ થાય છે.
આ અભિયાનમાં ખાસ કરીને પતંગના દોરાથી ઘાયલ થયેલા અને અન્ય ગંભીર ઈજાઓ કે બીમારીથી પીડિત પશુ-પક્ષીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ૦૩ એનિમલ એમ્બ્યુલન્સની મદદથી આ કામગીરી હાથ ધરાઈ હતી. ડૉ. કાજલબેન પરમાર, ડૉ. મેઘા મોદી અને ડૉ. હર્ષદ પ્રજાપતિની ટીમે આ અભિયાનમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. બનાસકાંઠા જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ડૉ. તાલીબ હુસેન અને પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું કે, આ અભિયાન આગામી ૨૦ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. જો કોઈને ઘાયલ પશુ કે પક્ષી જોવા મળે તો તરત જ ૧૯૬૨ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને સેવા લઈ શકે છે. આ કાર્યમાં સૌ નાગરિકોનો સહકાર અને ભાગીદારી અનિવાર્ય છે. આવો, પીડિત પશુ-પક્ષીઓ માટે સહાનુભૂતિ અને માનવતાનું પ્રત્યક્ષ ઉદાહરણ બનીએ.