વાહન ચાલકો બે કલાક સુધી આવી કાળઝાળ ગરમીમાં સેકાવા મજબુર બન્યા
સિધ્ધપુર દેથળી ચાર રસ્તા પર રોડનું સમારકામ ચાલતું હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહન ચાલકો બે કલાક સુધી આવી કાળઝાળ ગરમીમાં સેકાવા મજબુર બન્યા હતા. દેથળી ચોકડીથી લઈ ખળી ચોકડી સુધી ચક્કાજામ જોવા મળ્યો હતો. સિધ્ધપુર શહેરમાં અવર જવર કરતા રાહદારીઓ પણ રોડ ક્રોસ કરવામાં અટવાયા હતા. વિગત અનુસાર સિધ્ધપુરના હાર્દસમા દેથળી ચાર રસ્તા પર રોડનું સમારકામ સંબંધિત તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. જેને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહન ચાલકો બે કલાક સુધી ટ્રાફિકમાં શેકાયા હતા. નવાઈની વાત તો એ છે કે, આ બાબતે સંબંધિત તંત્ર દ્વારા કોઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું ન હોતું જેથી વાહન ચાલકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા. જ્યારે રાહદારીઓ અકસ્માતના ભોગે રસ્તો ઓળંગવાની ફરજ પડી હતી.
બુદ્ધિજીવીઓમાં ચર્ચાતી વાતો મુજબ, સિધ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત વિકાસના બંગા ફુંકે છે પરંતુ કોઈ એવો રોડ પણ બનાવી શક્યા નથી કે ડાયવર્ઝન આપી શકાય. ખળી ચોકડી ખાતે ઓવરબ્રિજનું કામ ચાલુ છે. જ્યાં અવાર નવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે પરંતુ ખળી ચોકડીને સાઇડ કરી સીટીની બહાર નીકળી શકાય તેવો કોઈ રસ્તો નથી જ્યાં ડાયવર્ઝન આપી શકાય. ઉધોગ મંત્રીના રાજમાં સિધ્ધપુરનો વિકાસ આંખે વળગે એવો દેખાઈ રહ્યો છે.