પોલીસ દંડ વસૂલવામાં મગ્ન, વાહનચાલકો ટ્રાફિકમાં બેહાલ
બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં હાલમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, પરંતુ વિરોધાભાસ એ છે કે આ ડ્રાઈવ દરમિયાન જ ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બની રહી છે. ખાસ કરીને શહેરના મુખ્ય જંક્શનો પર ટ્રાફિકનું નિયમન કરવાને બદલે પોલીસ માત્ર દંડની કામગીરીમાં વ્યસ્ત જણાતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના સૌથી વ્યસ્ત એવા દીપક સર્કલ અને જલારામ મંદિર સર્કલ પર આજે ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા આશ્ચર્યની વાત એ છે કે, આ સ્થળો પર ખુદ ટ્રાફિક પોલીસ હાજરી હોવા છતાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રાફિક સુલભ બનાવવાના બદલે પોલીસ ટીમો વાહનો ઉભા રાખી કાગળો તપાસવામાં અને મેમો ફાડવામાં વ્યસ્ત રહી હતી, જેના કારણે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
લોકોનો આક્રોશ: “નિયમન કે ઉઘરાણી?”
વાહનચાલકોએ આક્ષેપ કર્યો છે કે પોલીસનો હેતુ ટ્રાફિક હળવો કરવાનો નહીં, પરંતુ માત્ર ટાર્ગેટ પૂરો કરવા માટે દંડ વસૂલવાનો હોય તેમ લાગી રહ્યું છે. ઓફિસ અને સ્કૂલના સમયે જ ડ્રાઈવ યોજાતા નોકરિયાતો અને વિદ્યાર્થીઓ અટવાયા હતા. સર્કલ પર વાહનો ઉભા રખાવતા રસ્તો વધુ સાંકડો બન્યો હતો, જે જામનું મુખ્ય કારણ બન્યું.”ટ્રાફિક પોલીસ જો રસ્તા વચ્ચે વાહનો ઉભા રાખવાને બદલે ટ્રાફિક ક્લિયર કરાવવામાં ધ્યાન આપે તો જનતાને સાચી રાહત મળે. અત્યારે તો ડ્રાઈવના નામે માત્ર સામાન્ય જનતાને હેરાન કરવામાં આવી રહી છે.” – એક હેરાન પરેશાન વાહનચાલક હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ધ્યાન આપીને ટ્રાફિક ડ્રાઈવને ‘દંડલક્ષી’ મટાડી ‘સુવિધાજનક’ બનાવે છે કે કેમ? અત્રે ઉલ્લેખનીય છે થૉડા દિવસ અગાઉ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ખુદ ડીસામાં સતત ટ્રાફિકથી ભરુચક રહેતા બગીચા સર્કલ, જલારામ સર્કલ, દિપક સર્કલ, ગાયત્રી મન્દિર સર્કલ ઉપર જઈ જાત નિરીક્ષણ કરી ટ્રાફિક પોલિસ ને સૂચના આપી હતા તેમ છતાં પણ આજે સ્થિતિ એજ જોવા મળી રહી છે.

