બ્લડ ડોનરો નો આભાર વ્યક્ત કરતા એપીએમસીના ચેરમેને દેશ સેવામાં સહભાગી બનવા સૌને અપીલ કરી; ભારત પાકિસ્તાન વચ્ચે હાલમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે આ પરિસ્થિતિમાં યુદ્ધ સર્જાય અને આપણા ભારતીય જવાનો અથવા આમ નાગરિકો ઈજાગ્રસ્ત બને તો તેમને તાત્કાલિક સારવારની સાથે સાથે જરૂરિયાત મુજબનું બ્લડ ઉપલબ્ધ બની રહે તેવા ઉદેશથી પાટણ શહેરમાં વિવિધ સેવાકીય- સામાજિક સંસ્થાઓ દ્વારા તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પના આયોજનો કરવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત શનિવારના રોજ પાટણ એપીએમસી હોલ ખાતે એપીએમસીના ચેરમેન સહિત સમગ્ર ટીમ દ્વારા રોટરી બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એપીએમસી ખાતે આયોજિત કરાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં વેપારીઓ, ખેડૂતો સહિત મહિલાઓએ પણ સ્વેચ્છાએ પોતાનું રક્તદાન કરી દેશ સેવામાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે સૌ બ્લડ દાતાઓનો આભાર વ્યક્ત કરતાં જરૂર ના સમયે દેશ સેવા માટે બ્લડ ડોનેટ કરવા બ્લડ દાતાઓને અપીલ કરી હતી.