બે વર્ષથી સમારકામ અધૂરું, મોટા ખાડાઓથી અકસ્માતનો ભય
પાંથાવાડા થી ધનિયાવાડા તરફ જતાં માર્ગની હાલત છેલ્લા બે વર્ષથી ખરાબ બની રહી છે. માર્ગ પર મોટા મોટા ખાડા પડતા રોજિંદા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, જ્યારે માર્ગકાંઠાના વેપારીઓ સતત ધૂળ અને ડમરીઓના ત્રાસથી પરેશાન બની ગયા છે.સ્થાનિક વેપારી સુરેશ ચૌધરીએ ભાસ્કર પ્રતિનિધિને જણાવ્યું કે, “રોડની બાજુમાં આવેલી અમારી દુકાનોમાં સતત ધૂળ ભરાઈ જાય છે. સમગ્ર દિવસ ડમરીઓ ઉડીને દુકાનો સુધી આવી પહોંચે છે, જેના કારણે ગ્રાહકોને પણ મુશ્કેલી પડે છે અને ધંધો અસરગ્રસ્ત થાય છે.”
આર એન્ડ બી પંચાયત હસ્તક આવેલા આ માર્ગ પર મેટલ નાખવામાં આવ્યું હોવા છતાં પણ બે વર્ષથી સમારકામ પૂર્ણ થતું ન હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ અંગે ધાનેરા આર એન્ડ બી વિભાગનાં એસ.ઓ. સિરાજભાઈ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, “હાલ દાંતીવાડા નજીકના જેગોલ ખાતે રસ્તાનું કામ ચાલી રહ્યું છે. તે પૂર્ણ થતાં જ ધનિયાવાડા માર્ગનું કામ હાથ ધરવામાં આવશે.”તે જ સમયે સ્થાનિક વેપારી ચેતન પ્રજાપતિએ જણાવ્યું કે, “રોજ ઉડતી ધૂળ અને રસ્તાની ખરાબ હાલતને કારણે અમે વેપારીઓ ખુબ મુશ્કેલીમાં છીએ. અને અમને ધંધો ચલાવવામાં ભારે અડચણ પડે છે. જેથી તંત્ર તાત્કાલિક માર્ગનું સમારકામ કરે તેવી અમારી વિનંતી છે.”

