રોડ-શોમાં ૩૦ હજારથી વધુ, જાહેરસભામાં ૬પ હજાર લોકો ઉમટશેઃ ભુપેન્દ્રભાઇ પટેલ, સી. આર. પાટીલ, ડો. મનસુખભાઇ માંડવીયા, નીમુબેન બાંભણીયા, પરસોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, ભરતભાઇ સુતરીયા, કેશરીદેવસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહેશે
ભાવનગર શહેરમાં આવતીકાલે તા.૨૦ નારોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે. ત્યારે શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ અંગે સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ, શહેર પ્રમુખ કુમારભાઈ શાહ, જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, રોડ શોના ઈનચાર્જ ભરતસિંહ ગોહિલ, તુલસીભાઈ પટેલ સહિતનાએ પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી .
જેમાં તા. ૨૦ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એરપોર્ટ ખાતે આવશે અને મહિલા કોલેજથી રૂપાણી સર્કલ સુધી દોઢ કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો યોજશે. રોડ શો દરમિયાન આપણી સંસ્કળતિ મુજબ ટ્રેડિશનલ ડ્રેસ સાથે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર, આત્મનિર્ભર ટેબલોનું આયોજન કરાયું છે. સંસ્થાઓ દ્વારા વેપારીઓ, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહેશે. બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જવાહર મેદાનમાં ભવ્ય સભા સભામાં જનતાને સંબોધન કરશે અને બે લાખ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના ખાતમુર્હુત અને લોકાપર્ણ કરશે. તેમજ શિપિંગ, મેરિટાઈમ સહિતના દેશભરના અનેક રાજ્યોના એમઓયુ કરશે. ભાવનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર જનતાને આ સમગ્ર કાર્યક્રમમાં પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રીઓ ડો. મનસુખભાઇ માંડવીયા, નીમુબેન બાંભણીયા, સાંસદો પરસોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, ભરતભાઇ સુતરીયા, કેશરીદેવસિંહ ઝાલા, તથા ધારાસભ્યો, ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે.

