રૂપિયા છ કરોડ ઉપરાંતના ખર્ચે પાકા ડામર રોડ નિર્માણ પામશે : ધારાસભ્ય
સર્વ સમાજના આગેવાન અને ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે દશેરાના પાવન દિવસે ખીમત તેમજ ખાગણ ગામને જોડતાં રૂપિયા છ કરોડ ઉપરાંતના ખર્ચે આકાર પામનાર ત્રણેય પાકા ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
દશેરાના પાવન દિવસે ધાનેરા તાલુકામાં માર્ગ અને મકાન, પંચાયત વિભાગ હસ્તકના અંદાજિત રૂપિયા છ કરોડ ઉપરાંતના ખર્ચે બનનાર ખીમતથી વિરોલને જોડતો માર્ગ, ખાંગણથી પાંચ પીપળા નેશનલ હાઇવે સુધીનો માર્ગ અને ખીમત ગોળીયા થી પ્રાથમિક શાળાને જોડતો માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે અને પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, બનાસ બેકના પૂર્વ ચેરમેન સવસીભાઈ ચૌધરી, ભગવાનદાસ પટેલ, વસંતભાઈ પુરોહિત, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હર્ષદભાઈ પટેલ સહિત સરપંચો અને આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
ખાગણ ગામે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય સ્વર્ગસ્થ જોરાભાઈ વાલાભાઈ દેસાઈને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ત્રણેય ગામના આગેવાનો અને ગ્રામજનોએ રોડ મંજૂર કરાવવા બદલ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ દેસાઈ (શિક્ષક) દ્વારા કરવામાં આવ્યું હતું.
ગામે-ગામ ધારાસભ્યનું વિશેષ સન્માન
ધાનેરા તાલુકાનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેથી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત વિરોધ નોધાવ્યો હતો. જોકે, ગુજરાત સરકાર દ્વારા ધાનેરાને બનાસકાંઠામાં રાખવાનો નિર્ણય કરતાં ધારાસભ્યની મહેનત રંગ લાવી હતી. હાલમાં ધાનેરાના ગામે-ગામ માવજીભાઈ દેસાઈનું વિશેષ સન્માન કરવામાં આવી રહ્યું છે.

