દુકાનદારો પાલિકાનો બાકી વેરો ન ભરતા સિલીંગ કાર્યવાહી
બાકી વેરાની વસુલાત માટે પાલિકાની આક્રમક વેરા વસૂલાત ઝુંબેશ; પાલનપુર નગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહથી શહેરમાં વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે વચ્ચે બાકી વેરા મામલે સિટી લાઇટ શોપિંગમાં વધુ ત્રણ દુકાનો સીલ કરવામાં આવતાં બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાલનપુર શહેરમાં કેટલાક મિલકત ધારકો નગરપાલિકાનો વેરો નિયમિત ભરતા ન હોઇ બાકીદારોનો ગ્રાફ વધવાની સાથે લાખો રૂપિયાનું લહેણું બાકી બોલતું હોઇ પાલિકા દ્વારા છેલ્લા અઠવાડિયાથી તબક્કાવાર વેરા વસૂલાત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં બુધવારે સિટી લાઇટ શોપિંગ સેન્ટરમાં એક લાખથી વધુના બાકી વેરા મામલે પટેલ અમૃતભાઈ નરસિંહભાઇ, ચૌધરી ભગવાનભાઇ પુંજાભાઈ અને સિટી લાઇટ કોર્પોરેશનના ભાગીદાર વાળી ત્રણ મિલકતો સિલ કરવામાં આવતા શહેરમાં અન્ય બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.