ગુજરાતના વડોદરામાં ત્રણ સ્કૂલોને બોમ્બની ધમકી મળી છે, જેમાં નવરચના સ્કૂલનો પણ સમાવેશ થાય છે. શુક્રવારે ત્રણેય શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેના પગલે વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલ બંધ કરવામાં આવી હતી. પોલીસે શાળાના પટાંગણમાં સઘન તપાસ હાથ ધરી હતી.
પોલીસે તમામ શાળામાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા અને સમગ્ર કેમ્પસમાં તપાસ કરી હતી. જો કે, કોઈ બોમ્બ મળ્યા ન હતા, અને શાળાઓને સુરક્ષિત જાહેર કરવામાં આવી હતી. પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે ઘટનાસ્થળે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ ખતરો મળ્યો ન હતો. પોલીસે તપાસ પૂર્ણ કરી અને પુષ્ટિ કરી કે શાળાઓમાં કોઈ વિસ્ફોટક મળ્યા નથી, અને ધમકી ખોટી સાબિત થઈ.