ખેતરમાં બોરની વીજ ડીપીનો ૧૧ કેવીનો કેબલ લીક થતાં દુર્ઘટના સર્જાઈ
દલિત પરિવારના માતા – પિતા અને પુત્રને કાળ ભરખી ગયો; વીજ વિભાગની બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ
વાવ તાલુકાના ધરાધરા ગામમાં ગતરોજ વહેલી સવારે ૬ કલાકે અત્યંત દુઃખદ ઘટના બની છે. ધરાધરા ગામની સીમમાં ખેતરમાં વસવાટ કરતા એક જ દલિત પરિવારના માતા પિતા અને પુત્રનું વીજ કરંટથી ઘટના સ્થળે જ કરૂણ મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ખેતરમાં બોરની વીજ ડીપીનો ૧૧ કેવીનો કેબલ લીક થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જોકે આ મામલે વીજ વિભાગની ઘોર બેદરકારીને લઈ ગ્રામજનોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ વાવ તાલુકાના ધરાધરા ગામે ખેતરમાં રહેતા વૃદ્ધ દલિત દંપતી જેઠાભાઇ મકવાણા અને રખુબેન મકવાણા રાત્રીના સમયે ખેતરમાં કામ કરી થાકીને સુતા હતા. વહેલી સવારે ૬ વાગે રખુબેને ઉઠીને ખાટલા નીચે પગ મુકતા તેમને કરંટ લાગતા તડફડીયા મારવા લાગ્યા હતા. આથી તેમના પતિ જેઠાભાઈ તેમને છોડાવવા જતા તેમને પણ કરંટ લાગતાં બંને વૃદ્ધ દંપતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. થોડીક મિનિટ બાદ તેમનો પુત્ર પથુભાઈ મકવાણા બાજુના ખેતરમાંથી માતા પિતાની ખબર કાઢવા આવતા તે પણ કરંટનો શિકાર બની જતાં તેમનું પણ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આમ એક જ દલિત પરિવારના ત્રણ સભ્યના મોતને લઈ સમગ્ર પંથક સહીત તાલુકા ભરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ બાબતની જાણ પડોશીઓને થતાં તાત્કાલીક વીજ વિભાગને જાણ કરતાં વીજ કર્મીઓએ ઘટના સ્થળે દોડી આવી વીજ પુરવઠો બંધ કર્યો હતો. વીજ તંત્રના જણાવ્યા મુજબ અચાનક વીજ લાઇનમાં કોઇ ફોલ્ટના કારણે કરંટ ફેલાયો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. પરિવારના અન્ય સભ્યો અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા પણ ત્યારે ત્રણ લોકો પ્રાણ ઉડી ગયા હતા. આ ઘટનાથી ધરાધરા સહિત આસપાસના ગામોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વાવની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બાબતની વાવ પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ કરૂણ ઘટનાના પગલે સ્થાનિક આગેવાનો, સરપંચ અને ગ્રામજનોએ સહાનુભૂતિ માટે મૃતકોના પરિવારજનોને મળી મદદરૂપ થવા આશ્વાસન પૂરું પાડયું હતું.
મૃતકોના નામ
પથુભાઈ જેઠાભાઈ મકવાણા (પુત્ર)
જેઠાભાઈ મકવાણા (પિતા)
રખુબેન મકવાણા (માતા)
ઘણા સમયથી ૧૧ કેવીની લાઇનમાં ફોલ્ટ હતો; ગ્રામજનો
બોક્સ આ ગંભીર ઘટનાને લઈ ધરાધરા ગ્રામજનોએ વીજ વિભાગની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે. ઘણા સમયથી આ હેવી ૧૧ હજાર વોલ્ટની લાઇનમાં તકલીફ હોવાની જાણકારી વીજ વિભાગને હોવા છતાં યોગ્ય રીતે સંભાળ ન લેવાતા આ દુઃખદ ઘટના બની હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.