મહેસાણા જિલ્લાના ઊંઝા, જોટાણા, વિજાપુર, સતલાસણા સહિતના પંથકમાં ગેરકાયદે ખનિજ ચોરી જતાં આસામીઓ બેફામ બન્યા છે. આજે મહેસાણા ભૂસ્તર તંત્રની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઊંઝાના મહેસાણા હાઈ વે પરના મોટીદાઉ નજીકથી અને જોટાણાના સાંથલ રોડ પરથી રોયલ્ટી પાસ વગર ગેરકાયદે રેતી ભરી જતાં ત્રણ ડમ્પર ટ્રકને ઝડપી લીધાં હતા. તંત્રએ વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં વધતી જતી ખનિજચોરી સ્થાનિક ભૂસ્તર તંત્ર માટે માથાના દુખાવા સમાન બની છે. ખાણ ખનિજ તંત્રની ટીમે ઊંઝાના મહેસાણા હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન પૂર્વબાતમીના આધારે ગેરકાયદે એટલે કે પાસ- પરમીટ વગર સાદી રેતી ખનિજ ભરી જતાં બે ડમ્પર ટ્રકને મોટીદાઉ પાસેથી દબોચી લીધાં હતા. જે બન્ને ગાડીને સલામત સ્થળે મુકવામાં આવ્યાં હતા. જ્યારે જોટાણા તાલુકાના સાંથલ રોડ પરથી રોયલ્ટી પાસ વગર રેતી ભરી જતાં એક ડમ્પર ટ્રકને ઝડપી લીધો હતો. જે ડમ્પર ટ્રકને સાંથલ પોલીસ સ્ટેશન ખાતે મુકાવી દીધો હતો. મહેસાણા ભૂસ્તર ટીમે ખનિજચોરી જતાં ત્રણ ડમ્પર, રેતી મળીને રૂપિયા 90.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું ભૂસ્તર અધિકારીએ જણાવ્યું હતુ.