સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રી-દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ અને અખિલ ભારતીય કૃષિ અધિવેશન ૨૦૨૫નો પ્રારંભ કરાયો હતો. ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને વધુમાં વધુ અપનાવે તેના અનુસંધાને આયોજિત કાર્યક્રમમાં દેશના જુદા જુદા રાજ્યના ૩૦૦૦ જેટલા ખેડૂતોએ આ તાલીમમાં ભાગ લીધો હતો. ત્રી-દિવસીય કાર્યક્રમમાં દેશભરના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન મેળવશે. આ ખેડૂતો યુનિવર્સિટી સ્થિત વિવિધ સંશોધન કેન્દ્રો તથા પ્રાકૃતિક ખેતી પ્રદર્શન કેન્દ્રોની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવશે. આ સાથે સંશોધન વૈજ્ઞાનિકઓ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને વ્યાખ્યાન આપવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે ૨૫ જેટલા કૃષિને લગતા સ્ટોલ ઉભા કરાયા હતા, જેને નીતિ આયોગના ઉપાધ્યક્ષ દ્વારા રીબીન કાપીને ખુલ્લા મૂકાયા હતા.
આ કાર્યક્રમમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ના વિકસિત ભારતના વિઝનને પૂર્ણ કરવા સૌથી વધુ કૃષિ સેક્ટર ભાગ ભજવશે. તેમણે જણાવ્યું કે, વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વિકસિત સમાજ બનાવવો ખાસ જરૂરી છે, જે માટે ખેતી અને ખેડૂતને કેન્દ્રમાં રાખી તેમના વિકાસ માટે પ્રયત્નો હાથ ધરવા જોઈએ. દેશ ખેતીમાં આત્મનિર્ભર બને તથા દુનિયા સામે ભારત મેન્યુફેક્ચરિંગ હબ બને તે ખાસ જરૂરી છે. દેશી ગાય આધારિત ખેતી, મિલેટ પાકોનું વાવેતર, બાગાયતી તથા ગુણવત્તા યુક્ત બીજ જેવા ઉભરતા ક્ષેત્રો થકી ખેડૂત તથા ગ્રામીણ ક્ષેત્રના વિકાસ વડે રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ કરી શકાશે તેમ તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર.એમ.ચૌહાણે સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી ખાતે ચાલતા વિવિધ સંશોધન કેન્દ્રો, ઉપલબ્ધિઓ અને ખેડૂત ઉપયોગી આયામો વિશે ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે એરંડા, કપાસ, ઘઉં, બટાકા, મિલેટ, ખજૂર, મસાલા પાક પર યુનિવર્સિટીએ ખાસ સંશોધન કરીને ખેડૂતોની આવક વધારવા પ્રયત્નો કર્યા છે. આજે દેશમાં ૭૧ ટકા એરંડાનું ઉત્પાદન ફક્ત ગુજરાત કરે છે, જેના થકી ૭૦૦૦ કરોડનું વિદેશી હૂંડિયામણ દેશને મળ્યું છે. દાંતીવાડા યુનિવર્સિટીના હાઈબ્રીડ ૭ અને ૮ નંબરના એરંડાનો ફાળો સૌથી મહત્વનો રહેલો છે. આજે કચ્છની ખારેકને GI ટેગ મળ્યો છે જેનાથી ખેડૂતોને ખારેક વેચાણ માટે ફાયદો મળી રહશે.