જેદાહથી અમદાવાદમાં લેન્ડિંગ કરેલ ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટમાં એક હસ્તલિખિત ચિઠ્ઠી મળી આવી હતી. જેમા અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી હતી. જોકે એજન્સી દ્વાકા તમામ મુસાફરોને ફ્લાઇટમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. તેમજ ચિઠ્ઠી લખનારને શોધી કાઢવા માટે દરેકના રાઇટીંગ સેમ્પલ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડિગોની ફ્લાઇટમાંથી મુસાફરો બહાર નીકળ્યા બાદ ફ્લાઇટની સફાઇ દરમિયાન આ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં એરોપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પહોંચી હતી અને મળેલી ચિઠ્ઠીને એફએસએલમાં મોકલી આપવામાં આવી હતી. હાલમાં એરપોર્ટ પર સીઆઇએસએફ દ્વારા પણ કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. નોંધનીય છે કે ત્રણ મહિના પહેલા પણ ઇન્ડિગોની ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. પરંતુ તે સમયે કંઇ હાથ ન લાગતા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.