અમૂલ્ય પાણીના વેદફાટથી આમ પ્રજામાં રોષ
બનાસકાંઠાના ડીસા શહેરમાં એકતરફ શિયાળાની કાતિલ ઠંડી પડી રહી છે, ત્યારે બીજી તરફ ડીસા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ડીસાના મહારાણા પ્રતાપ ચોકથી રેલ્વે સ્ટેશન ચાર રસ્તા તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલ હરિઓમ શાળા પાસે પીવાની પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. હરિઓમ સ્કૂલ પાસે આવેલા ઢાળમાં પાણી ભરાઈ રહેવાને કારણે સવારના સમયે શાળાએ જતા નાના બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં હરિઓમ સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ અને સંત અન્ના જેવી નામાંકિત શાળાઓ આવેલી છે. કડકડતી ઠંડીમાં વહેલી સવારે ચાલતા જતા વિદ્યાર્થીઓ આ ઠંડા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેના કારણે બાળકો બીમાર પડવાનો ભય પણ સેવાઈ રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ પાઇપલાઇન છેલ્લા બે દિવસથી લીકેજ છે. આ અંગે નગરપાલિકાના સત્તાધીશોને જાણ હોવા છતાં હજુ સુધી કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. એકતરફ સરકાર ‘જળ બચાવો’ ના અભિયાન ચલાવે છે, ત્યારે બીજી તરફ પાલિકાની નિષ્કાળજીને કારણે હજારો રૂપિયાનું શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે.આ અહેવાલના માધ્યમથી સ્થાનિક રહીશો અને વાલીઓ માંગ કરી રહ્યા છે કે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ વહેલી તકે જાગે અને આ લીકેજનું સમારકામ કરાવી પાણીનો વેડફાટ અટકાવે. જો સત્વરે ઉકેલ નહીં આવે તો રાહદારીઓ અને વાહન ચાલકોની મુશ્કેલીમાં ઓર વધારો થશે.

