મહેસાણા જિલ્લામાં દિન પ્રતિદિન ચોરીના બનાવો વધવા લાગ્યા છે. જિલ્લાના અનેક શહેરો અને ગામડાઓમાં રોજેરોજ ચોરી થવાની ઘટનાઓ હવે સામાન્યપણે જોવા મળી રહી છે. જુદા જુદા હતકંડા અપનાવતા ચોરો પણ હવે તો પોલીસને ચેલેન્જ કરતા હોય તેવી પદ્ધતિથી ચોરીને અંજામ આપતા જોવા મળી રહ્યાં છે. ક્યાંક ઘરફોડ ચોરી તો ક્યાંક બોરવેલના કેબલની ચોરી તો ક્યાંક દુકાનોમાં સામાનની ચોરી ખૂબ જ સરળતાથી થઈ રહી છે. પોલીસના અથાગ પ્રયત્નો બાદ પણ ચોરો હાથમાં નથી આવતા અને પોલીસને દોડાવી દોડાવીને થકવી દીધી છે. ક્યાંક રાત્રે તો ક્યાંક દિવસે પણ ચોરો ગમે તેવી ચોરીને અંજામ આપી હવે તો પોલીસની ઊંઘ હરામ કરી મુકી છે.
ત્યારે મહેસાણા જિલ્લામાં પ્રસિદ્ધ સૂર્ય મંદિર ધરાવતા ઐતિહાસિક મોઢેરા ગામમાં એક જ રાત્રીમાં 5 સ્થળોએ ચોરીનો અંજામ આપી ચોરો ફરાર થઈ જતા સ્થાનિક પોલીસની ઊંઘ હરામ કરી દોડતી કરી મુકી છે. મોઢેરા ગામમાં જ મોટું પોલીસ સ્ટેશન હોવા છતાં પણ એક જ રાત્રીમાં ચાર દુકાનો અને એક મકાનના તાળા તોડી ચોર ચોરી કરી ખૂબ જ સરળતાથી ફરાર થઈ ગયા છે. જેના લીધે મોઢરા ગામના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
મોઢેરા ગામ સહિત નજીકના વિસ્તારમાં વારંવાર ચોરી થવાની ઘટનાઓ બનતી હોય છે. પોલીસ તરફથી પણ પુરતી તકેદારી રાખી ચોરી ન થાય તેના માટે યોગ્ય પગલાં પણ ભરવામાં આવતા હોય છે તેમ છતાં પણ મોઢેરા ગામમાં ચાર દુકાનો અને એક મકાનના તાળા તોડી ચોરી કરી નાસી છૂટેલા ચોરોએ દુકાનો અને મકાનના તાળા પણ બાજુના ગામની સીમમાં મુકેલા મળી આવ્યા છે. અવારનવાર બનતી ચોરીની ઘટના બાબતે જ્યાં સુધી તપાસ નહીં થાય તેમજ ગામમાં થતી ચોરી કાયમી ધોરણે બંદ નહીં થાય ત્યાં સુધી ગામના વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ કરી ધરણા પ્રદર્શન પર ઉતરી ગયા છે.