રઘુનાથપુરી મઠ વકવાડા ગોગા મહારાજ અને પેપળું નકળંગ ધામને જોડતો સાંકડો રસ્તો જોખમી બન્યો
માર્ગને પહોળો કરવામાં આવે તો ભીલડી થી થરાદ હાઇવેને જોડતો મહત્વપૂર્ણ માર્ગ બની શકે છે
પેપળુ ગામથી નાના કાપરા ગામને જોડતો સિંગલ પટ્ટી માર્ગ હાલમાં વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનો માટે ભારે મુશ્કેલીનું કારણ બન્યો છે. રસ્તો અત્યંત સાંકડો હોવાથી દૈનિક અવરજવર કરતા લોકો તેમજ ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ માર્ગ પર વાહનવ્યવહાર નોંધપાત્ર રીતે વધ્યો છે, છતાં માર્ગનો વિસ્તરણ ન થતા અકસ્માતનો ભય સતત વર્તાઈ રહ્યો છે. સામસામે આવતા બે વાહનોને પસાર થવા માટે એક વાહનને રોડની નીચે ઉતારવું પડે છે, જેના કારણે જોખમ વધી રહ્યું છે.
આ માર્ગનું મહત્વ માત્ર ગ્રામ્ય જોડાણ પૂરતું જ નથી, પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ પણ ખાસ મહત્વ રહેલું છે. નાના કાપરા ખાતે આવેલું રઘુનાથપુરી મઠ, વકવાડા ગામે આવેલું ગોગા મહારાજ મંદિર તેમજ પેપળુ ગામે આવેલું નકળંગ ભગવાન મંદિર ખાતે વર્ષભર ભક્તોનો વિશાળ ઘસારો રહે છે. તહેવારો અને મેળાઓ દરમિયાન વાહનોની સંખ્યા વધી જતાં ટ્રાફિક વ્યવસ્થા બેકાબૂ બની જાય છે.યાત્રાળુઓની વધતી અવરજવર અને સાંકડો માર્ગ હોવાથી અકસ્માત નો ભય પણ સતાવી રહ્યો છે.
ભીલડીથી પેપળુ ગામ સુધીનો માર્ગ પહેલેથી જ પહોળો બનાવવામાં આવ્યો છે, પરંતુ પેપળુથી નાના કાપરા સુધીનો ભાગ હજી સિંગલ પટ્ટી જ છે. જો આ માર્ગને પહોળો બનાવવામાં આવે તો ભીલડી થી થરાદ રોડને જોડતો એક મહત્વપૂર્ણ વિકલ્પ માર્ગ બની શકે છે. આથી સમગ્ર પંથકના વિકાસને વેગ મળશે અને વેપાર, કૃષિ તેમજ યાત્રાધામ સુધીની સુવિધા માં વધારો થઈ શકે છે.
જેને લઈને સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકો દ્વારા તંત્ર સમક્ષ આ માર્ગને તાત્કાલિક ધોરણે પહોળો બનાવવાની માંગ કરવામાં આવી છે ત્યારે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર લોકોની આ યોગ્ય અને તાત્કાલિક જરૂરિયાતને કેટલી પ્રાથમિકતા આપે છે અને માર્ગ વિકાસ માટે ક્યારે અસરકારક પગલાં ભરે છે.

