લોકોને ઘર આંગણે જ આરોગ્ય અને રોડ સહિતની સુવિધાઓ મળતા તેમની સુખાકારીમાં થશે વધારો:- અધ્યક્ષ શંકરભાઈ
૨૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર ડેલ અને ભાચર પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત તથા અંદાજે ૧૬૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ચૂડમેર થી દોલતપૂરા રોડનું કરાયું ઉદ્દઘાટન રાજ્યના વિકાસ માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારના પ્રયત્નોથી રાજ્યના છેવાડાના વિસ્તારોમાં અનેકવિધ વિકાસને કાર્યોને વેગ મળ્યો છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે વાવ-થરાદ નવો જિલ્લો જાહેર થતા ગૌસ્વામી સમાજ દ્વારા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી નો સત્કાર સમારોહ યોજાયો હતો. ગોસ્વામી સમાજના તમામ લોકોએ સરહદી વિસ્તારને નવા જિલ્લાની ભેટ આપવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો વિશેષ આભાર માન્યો હતો.
અધ્યક્ષએ ૨૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર ડેલ અને ભાચર ગામના પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુર્હુત કર્યું હતું. આ કામ આગામી સાત મહિનામાં પુરુ થવાની સંભાવના છે. થરાદના આ વિસ્તારમાં પેટા આરોગ્ય કેન્દ્ર બનવાથી આ વિસ્તારના લોકોને ઘર આંગણે જ આરોગ્ય સેવાઓ પ્રદાન કરી શકાશે. આ સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે અંદાજે ૧૬૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ચૂડમેર થી વાયા મહાજનપુરા-દોલતપૂરા રોડનું ઉદ્દઘાટન કરાયું હતું. ચૂડમેર,મહાજનપુરા અને દોલતપૂરા ગામને સદર રસ્તો નવો બનવાથી આ ગામ ટૂંકા અંતરથી પાકા રસ્તા સાથે જોડાશે. આ સાથે ત્રણ ગામના ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતો અને પશુપાલકોને પાકા રસ્તાનો લાભ મળી રહેશે.
ભાચર ખાતે આયોજિત ખાતમુર્હુત/લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષએ જણાવ્યું હતું કે, સૌના સાથ સહકારથી આ વિસ્તારમાં અનેકવિધ વિકાસના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. છેલ્લા બે વર્ષમાં થરાદ વિધાનસભા મત વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસ કામો પૂર્ણ કરાયા છે. અધ્યક્ષએ જણાવ્યું કે, લોકોને ઘર આંગણે જ આરોગ્ય સેવાઓ આપી શકાય તે માટે પેટા આરોગ્ય કેન્દ્ર, પી.એચ.સી, સી.એચ.સી સહિત ચાલુ વર્ષે થરાદ ખાતે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરાશે. આ સાથે તેમણે થરાદ ખાતે આગામી સમયમાં કેન્સર હોસ્પિટલ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.