મોડી રાત્રે ગ્રામ પંચાયતમાં કર્મીઓની હાજરી સામે આશંકા; પાલનપુર પંથકની એક ગ્રામ પંચાયત કચેરી મોડી રાત્રે ધમધમતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. પાલનપુર પંથકની એક ગ્રામ પંચાયતની કચેરી મોડી રાતે ખોલી કર્મચારીઓ અંદર કામગીરી કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. કચેરી સમય બાદ રાત્રિના અંધારામાં બંધ બારણે કચેરીમાં ઉપસ્થિત કર્મચારીઓની કામગીરી શંકા ઉપજાવી રહી હોવાની રાવ ઉઠી છે. જોકે, સોશિયલ મીડિયા માં આ વીડિયો સલ્લા ગ્રામ-પંચાયત કચેરીનો હોવાના દાવા વચ્ચે રાત્રીના અંદાજે ૧૦.૩૦ કલાકે પંચાયત રજીસ્ટરમાં ચેડાં કરી રેકર્ડમાં છેડછાડ કરાઈ હોવાના આક્ષેપો કરાયા હતા.
(જોકે, આ વીડિયોની પુષ્ટિ “રખેવાળ” કરતું નથી)
જોકે, વીડિયો ગમે તે પંચાયતનો હોય પણ રાત્રિના સમયે મહિલા કર્મી સહિતના જવાબદાર કર્મીઓ કઈ કામગીરીનું ભારણ ઓછું કરવા આવ્યા હશે તે બાબત આશંકા પ્રેરી રહી છે. તો વળી વીડિયો ઉતારનાર ને પણ ધમકાવીને બહાર કઢાઈ રહ્યો હોવાની પ્રવૃત્તિ શંકા ઉપજાવી રહી હોઇ ટી.ડી.ઓ દ્વારા તપાસ કરી ખુલાસો માંગવામાં આવે તે જરૂરી બન્યું હોવાની લાગણી લોકોએ વ્યક્ત કરી હતી.