નાઈજીરીયાની સેનાએ 35 હજાર નાગરિકોના મોતનો બદલો લીધો છે. તેણે ઈસ્લામિક આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલા વ્યાપક અભિયાનમાં મોટી સફળતા હાંસલ કરી છે. નાઇજિરિયન સૈનિકોએ ઇસ્લામિક આતંકવાદીઓ અને વિવિધ સશસ્ત્ર જૂથોને નિશાન બનાવવાની કાર્યવાહીમાં છેલ્લા અઠવાડિયામાં 79 આતંકવાદીઓ અને શંકાસ્પદ અપહરણકારોને મારી નાખ્યા છે. જેના કારણે ઈસ્લામિક આતંકવાદીઓના કેમ્પમાં ખળભળાટ મચી ગયો છે.
નાઈજીરિયાની સેનાએ શુક્રવારે આ જાણકારી આપી. યુનાઈટેડ નેશન્સ અનુસાર, નાઈજીરિયાના પૂર્વોત્તર ક્ષેત્રમાં લગભગ 35,000 નાગરિકોના જીવ ગયા અને 20 લાખથી વધુ લોકો બેઘર થયા પછી દેશની સુરક્ષા માટે પ્રયાસો તેજ કરવામાં આવી રહ્યા છે. નાઈજિરિયન સેનાના પ્રવક્તા એડવર્ડ બુબાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સેનાના દેશવ્યાપી ઓપરેશનમાં 252 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને આતંકવાદીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા 67 લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા.